HomeAllમોરબી વોલ ટાઇલ્સ એસોસિએશનમાં પ્રમુખ પદ માટે ત્રિકોણીય જંગ, ત્રણ ઉદ્યોગકાર મેદાનમાં

મોરબી વોલ ટાઇલ્સ એસોસિએશનમાં પ્રમુખ પદ માટે ત્રિકોણીય જંગ, ત્રણ ઉદ્યોગકાર મેદાનમાં

મોરબી : વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ માટે ઓળખાતા મોરબીમાં વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદ માટે ચૂંટણીનો માહોલ ગરમાયો છે.

હાલના પ્રમુખ હરેશભાઈ બોપલિયાની ટર્મ પૂર્ણ થવા જઈ રહી હોવાથી નવા પ્રમુખની પસંદગી માટે ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વિવિધ વિભાગોને ધ્યાનમાં રાખીને ચાર મુખ્ય એસોસિએશન કાર્યરત છે, જેમાં વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રિફાઇડ અને સેનેટરીવેર એસોસિએશનનો સમાવેશ થાય છે.

વોલ ટાઇલ્સ એસોસિએશનના હાલના પ્રમુખ હરેશભાઈ બોપલિયા છેલ્લા ચાર વર્ષથી (બે ટર્મ) આ પદ પર કાર્યરત રહ્યા છે અને તેમની કાર્યકાળની મુદત આગામી 31 માર્ચે પૂર્ણ થવાની છે.

સામાન્ય રીતે સિરામિક ઉદ્યોગની એસોસિએશનોમાં ચૂંટણી યોજવાને બદલે સર્વસંમતિથી પ્રમુખની પસંદગી કરવાનો પ્રયોગ કરવામાં આવે છે.

આ વખતે પણ વોલ ટાઇલ્સ ડિવિઝનમાં ચૂંટણી ટાળીને સિલેક્શનથી પ્રમુખ પસંદ કરવાની દિશામાં એસોસિએશનના આગેવાનો અને અગ્રણી ઉદ્યોગકારો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ એક કરતાં વધુ ઉદ્યોગકારોએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવતા અંતે ચૂંટણી અનિવાર્ય બની છે.

આ વખતે પ્રમુખ પદ માટે કેવલભાઈ સંઘાણી, નરેન્દ્રભાઈ સંઘાત અને કાંતિભાઈ સીતાપરા એમ ત્રણ ઉદ્યોગકારોએ ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ સુધી કોઈ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ન ખેંચતા હવે આ ત્રણેય વચ્ચે સીધી ચૂંટણી યોજાશે.

મોરબી તથા આસપાસના વિસ્તારમાં આવેલી 160થી વધુ વોલ ટાઇલ્સ યુનિટના માલિકો, જે એસોસિએશનના સભ્ય છે, તેઓ મતદાન દ્વારા નવા પ્રમુખની પસંદગી કરશે. આ ચૂંટણીને લઈને ઉદ્યોગજગતમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments