HomeAllમોરબીમાં અસામાજિક તત્વો સામે તંત્રની કડક કાર્યવાહી : ગેરકાયદે દબાણ પર બુલડોઝર,...

મોરબીમાં અસામાજિક તત્વો સામે તંત્રની કડક કાર્યવાહી : ગેરકાયદે દબાણ પર બુલડોઝર, 645 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત

મોરબી : મોરબીમાં બે દિવસ પૂર્વે નવા રેન્જ આઈજીની મુલાકાત બાદ પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અસામાજિક તત્વો અને આરોપીઓ દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે સવારે બોરીચાવાસ અને વજેપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી ધ્વસ્ત કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, સવારથી જ અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદેસર બાંધકામો પર જેસીબી મશીન દ્વારા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. સૌપ્રથમ બોરીચાવાસ વિસ્તારમાં બે હિસ્ટ્રીશીટરોના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ત્યારબાદ વજેપર વિસ્તારમાં સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વજેપર વિસ્તારમાં કાસમ જુમાભાઈ જીંદાણી દ્વારા આશરે 301 ચોરસ મીટર સરકારી જમીન પર ગાયોનો વાડો તેમજ વખાર જેવું ગેરકાયદેસર બાંધકામ ઉભું કરવામાં આવ્યું હતું, જેને તંત્ર દ્વારા તોડી પાડી જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યવાહી અંગે માહિતી આપતા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, બુટલેગરો અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો દ્વારા સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવા માટે એસડીએમ, મામલતદાર, સિટી સર્વે, પીજીવીસીએલ, મહાનગરપાલિકા અને એ-ડિવિઝન પોલીસના પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ સંયુક્ત ઓપરેશનમાં જોડાયો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 645 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.

પોલીસ દ્વારા અસામાજિક તત્વોને કડક ચેતવણી આપવામાં આવી છે કે, સરકારી જમીન કે મિલકત પર દબાણ કરનાર કોઈપણ બુટલેગર અથવા તત્વો સામે રેવન્યુ અને પોલીસ વિભાગ દ્વારા સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!