
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના રાષ્ટ્રવ્યાપી આહવાન પર મોરબીના નેહરુ ગેટે આવેલી બેંક ઓફ બરોડા ખાતે બેંકના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પાંચ દિવસના બેંકિંગની લાંબા સમયની પડતર માંગ સાથે યોજાયેલા આ આંદોલનમાં કર્મચારીઓએ સરકારની નીતિઓ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ લડતમાં 12 રાષ્ટ્રીયકૃત બેંકો સહિત તમામ પ્રાઈવેટ બેંકના યુનિયનો પણ જોડાયા હતા.

આ તકે UFBU મોરબી યુનિટના ક્ધવીનર અને INBOC ગુજરાત સ્ટેટના પ્રમુખ મહેન્દ્ર પોપટે આક્રમક તેવરમાં જણાવ્યું હતું કે, વર્ષ 2015માં સરકારે બીજા અને ચોથા શનિવારની રજા આપી ત્યારે વચન આપ્યું હતું કે નજીકના ભવિષ્યમાં તમામ શનિવાર રજા જાહેર કરાશે.

વર્ષ 2024માં IBA (ઇન્ડિયન બેંક્સ એસોસિએશન) પણ આ માંગ સાથે સહમત થયું હોવા છતાં સરકાર હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરી રહી નથી. સરકાર તમામ સરકારી યોજનાઓનું ભારણ બેંકર્સ પર નાખે છે, પરંતુ કર્મચારીઓના હિતના નિર્ણયો લેવામાં વિલંબ કરી રહી છે.

તેમણે વધુમાં તાર્કિક મુદ્દા રજૂ કરતા કહ્યું કે, જ્યારે RBI સરકારી કચેરીઓ, ઇન્સ્યોરન્સ સેક્ટર અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં 5 દિવસનું કામકાજ અમલી હોય, તો બેંકો સાથે અન્યાય કેમ? અમેરિકા, કેનેડા, જાપાન અને જર્મની જેવા વિકસિત દેશોમાં પણ 5 દિવસના કામનો નિયમ છે.

ભારતમાં પણ વર્ક-લાઈફ બેલેન્સ માટે આ અનિવાર્ય છે. જો સરકાર ટૂંક સમયમાં આ અંગે જાહેરાત નહીં કરે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.















