
ભગવાન બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતી અન્વયે મોરબી જિલ્લામાં કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટની પ્રેરક ઉપસ્થિતિમાં પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાએ જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવી હતું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ આવનારી પેઢી સુધી ભગવાન બિરસા મુંડાના બલિદાન, સંઘર્ષ તેમજ તેમની વિચારધારાને પહોંચાડવાનો છે. ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી, જમીનદારી વ્યવસ્થા અને મહેસૂલી શાસન સામે આઝાદીનું રણશિંગુ ફૂંક્યું હતું. આદિજાતિના લોકોને સંગઠિત કરવામાં અને આદિવાસી સંસ્કૃતિની જાળવણીમાં પણ તેમનો મહત્વનો ફાળો રહ્યો છે, ત્યારે સરકાર તેમની ૧૫૦ ની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ તરીકે ઉજવી રહી છે. આદિજાતિના વિકાસ માટે કાર્યરત વિવિધ યોજનાઓની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આદિજાતિના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે.


આ કાર્યક્રમમાં મંત્રી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અંદાજે રૂ. ૩૯૭.૩૦ લાખના ૨૭ કામોનું ખાતમુહૂર્ત અને અંદાજે રૂ. ૬૮૯.૭૬ લાખના ૫૩ કામોનું લોકાર્પણ કરી અંદાજે રૂ. ૧૦૮૭ લાખથી વધુની રકમના ૮૦ વિકાસ કામોની ભેટ મોરબીને અર્પણ કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતો હસ્તકના અંદાજે રૂ. ૭૫ લાખથી વધુ રકમના ૨૩ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧૧૦ લાખથી વધુ રકમના ૩૭ કામોનું લોકાર્પણ, આરોગ્ય વિભાગના અંદાજે રૂ. ૫૭૯ લાખથી વધુ રકમના ૧૬ કામોનું લોકાર્પણ તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના અંદાજે રૂ. ૩૨૨ લાખના ૪ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વક્તા મહેશ બોપલીયા દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન-કવન પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને તેમના જીવન-કવન ઉપર આધારિત એક ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિજાતિ સમુદાયના રમતવીરો, ખેલાડીઓ અને સફળ વ્યક્તિઓ તેમજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, અગ્રણી જયંતીભાઈ ભાડેસીયા સહિત મહાનુભાવો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, આદિજાતિ સમુદાયના લોકો તેમજ જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.


























