HomeAllમોરબીમાં ભવ્ય શિવ શોભાયાત્રા : શક્તિધામથી મોટેશ્વર મહાદેવ સુધી ગુંજ્યો ‘જય મહાકાલ’નો...

મોરબીમાં ભવ્ય શિવ શોભાયાત્રા : શક્તિધામથી મોટેશ્વર મહાદેવ સુધી ગુંજ્યો ‘જય મહાકાલ’નો નાદ

મોરબી, શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને શિવભક્તિનું અનોખું દ્રશ્ય સર્જાયું જ્યારે શક્તિધામ મંદિરથી પ્રારંભ થયેલી ભવ્ય શિવ શોભાયાત્રા શક્તિનગર સ્થિત મોટેશ્વર મહાદેવ મંદિર સુધી ભક્તિભાવથી પસાર થઈ. યાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો ‘જય મહાકાલ’ના ગર્જતા નાદથી ગુંજી ઉઠ્યા હતા.

શોભાયાત્રાનો પ્રારંભ શક્તિધામ મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને પૂજનવિધિ સાથે કરવામાં આવ્યો હતો. યાત્રામાં જોડાયેલા શિવભક્તો ભારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર માર્ગ ભક્તિમય વાતાવરણથી છલકાતો રહ્યો હતો. યાત્રાનું સમાપન મોટેશ્વર મહાદેવ મંદિરે આરતી અને મહાપ્રસાદ વિતરણ સાથે થયું, જેમાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધાર્મિક આનંદનો લાભ લીધો.

આકર્ષણના કેન્દ્રબિંદુઓએ જીતી લીધા દિલ

શોભાયાત્રામાં વિવિધ ભવ્ય રથો અને ઝાંખીઓએ વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું. ખાસ કરીને બરફથી નિર્મિત શિવલિંગ ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. સાથે જ સિદ્ધનાથ દાદાની પ્રતિમાને આકર્ષક શણગાર સાથે રજૂ કરવામાં આવી હતી, જેના દર્શન કરી ભક્તોએ ભાવવિભોર અનુભવો વ્યક્ત કર્યા હતા.

બાળકો દ્વારા શિવ-પાર્વતી તથા ગણેશજીના વેશમાં રજૂ કરાયેલ જીવંત ઝાંખીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. નાનકડા કલાકારોની નિર્દોષ અભિવ્યક્તિ અને ભક્તિભાવ દર્શકોના હૃદયને સ્પર્શી ગયો હતો.

8મું વર્ષ : અવિરત પરંપરાનો ગૌરવપૂર્ણ પ્રવેશ

મહાકાલ ગ્રુપના પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયાએ જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી આ શોભાયાત્રાની પરંપરા સતત જાળવવામાં આવી રહી છે અને આ વર્ષે આ યાત્રાએ આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમણે જણાવ્યું કે યાત્રામાં માત્ર સતવારા સમાજ જ નહીં, પરંતુ વિવિધ હિંદુ સંગઠનો અને સમગ્ર હિંદુ સમાજે ખભેખભા મિલાવી સહભાગીતા નોંધાવી છે.

ટ્રેક્ટર, ખુલ્લી જીપ અને ગાડીઓના કાફલા સાથે યુવાનો ભગવા સાફા અને ખેસ ધારણ કરી ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર આયોજન શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું હતું, જેના પરિણામે મોરબી શહેરનું વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!