બહેન-દીકરીઓને ફસાવીને જિંદગી ખરાબ કરવામાં આવતી હોવાની રાવ


મોરબીમાં ડિસ્કો દાંડિયા ક્લાસિસની આડમાં બહેન-દીકરીઓને ફસાવીને જિંદગી ખરાબ કરવામાં આવતી હોવાનું અને ક્લાસિસમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ કરવા મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા અગાઉ જિલ્લા પોલીસવડા અને જિલ્લા કલેક્ટરને રજુઆત કરી કેટલાક ક્લાસિસ સંચાલકોને સમજાવવા પાટીદાર સમાજના આગેવાનોને અસામાજિક ચીતરી પોલીસમાં અરજી કરવામાં આવતા આ ગંભીર બાબતે આજે રવાપર ચોકડી સ્થિત કેપિટલ માર્કેટ ખાતે જાહેર સભા યોજવામાં આવશે.

મોરબીના પાટીદાર અગ્રણી મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે, ડિસ્કો દાંડીયા ક્લાસિસ એક સામાજિક દુષણ છે. અમારી પાસે એવી માહિતી આવી છે કે અલગ અલગ આવા ડિસ્કો દાંડીયા ક્લાસિસમાં બહેન-દીકરીઓને ફ્સાવીને તેઓની જિંદગી ખરાબ કરવામાં આવી રહી છે.

ડિસ્કો દાંડીયા ક્લાસિસની અંદર ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલી રહી છે. બહેન-દીકરીઓ આવા ડિસ્કો દાંડીયા ક્લાસિસમાં રમતી હોય ત્યાં આવારા તત્વો, રોમીયોગીરી કરતાં શખસો સમાજને ન શોભે તેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે.

આવા ક્લાસિસમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ખાસ કરીને બહેન-દીકરીઓની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. મૂળ ગરબાની પરંપરાથી અલગ જઈને હિન્દી ફિલ્મોના ગીતો અને અલગ અલગ સ્ટેપો કરાવીને મૂળ સાંસ્કૃતિક ધરોહરને ખતમ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આવી પ્રવૃત્તિઓનો ભોગ મોરબીની જનતા અને ખાસ કરીને પાટીદાર સમાજ બની રહ્યો છે.વધુમાં મનોજ પનારાએ ઉમેયું હતું કે, બે ત્રણ દિવસ પહેલા તમામ સંચાલકોને અમે વિનંતી કરીને જણાવ્યું હતું કે આવા દાંડિયા ક્લાસિસ બંધ કરી દેવામાં આવે.

જે બાદ કેટલાક ક્લાસિસના સંચાલકોએ એસપી, કલેક્ટર અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને જણાવ્યું હતું કે, આવારા તત્વો અમારા ક્લાસિસમાં આવ્યા હતા અને તોડફોડ કરી હતી અને આ લોકો અસામાજિક તત્વો હતા.

જેથી આ અરજી સામે અમને વાંધો છે. અમે તેઓને સમજાવવા ગયા હતા નહીં કે તોડફોડ કરવા. સંચાલકોએ આ વિષયનું અયોગ્ય રીતે લીધો હોય આ અંગે પાટીદાર સમાજમાં જનજાગૃતિ આવે અને આવા ક્લાસિસથી બચે તે માટે આજે શનિવારે સાંજે ૮.૩૦ વાગ્યે રવાપર ચોકડી સ્થિત કેપિટલ માર્કેટ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ જાહેર સભામાં મોરબીની ४० સંસ્થાઓના આગેવાનો, રાજકીય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ સામાજિકઆગેવાનો હાજર રહેશે.























