
મોરબીમાં જમીન લે-વેચનું કામ કરતો મુસ્લિમ યુવાનની હત્યા કરીને તેની લાશને પીપળી અને બેલા ગામની વચ્ચે બંધ પડેલા કારખાનામાં ખાડામાં સળગાવી દેવામાં આવી હતી જે બનાવમાં મૃતક યુવાનના દીકરીની ફરિયાદ લઈને પોલીસે 7 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને આ ગુનામાં પોલીસે હાલમાં મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓની ધરપકડ કરેલ છે.

મોરબીમાં રમેશ કોટન મીલની બાજુમાં રહેતા તાજમહંમદભાઈ ભટ્ટીને જમીનના સોદાના બહાને કારમાં બેસાડીને બાલુભાઈ અઘારા લાલબાગ સેવા સદન પાસેથી ગત 19 તારીખનાં રોજ લઈ ગયા હતા ત્યારે ત્યાર બાદ તે ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેના પરિવારે પોલીસને ગુમસુધા ફરિયાદ આપી હતી અને શકદાર તરીકે બાલુભાઈ અઘારાનું નામ આપ્યું હતું જેથી પોલીસે આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તાજમહંમદભાઈ ભટ્ટીની હત્યા કરી હોવાની અને તેની લાશનો બંધ કારખાનામાં સળગાવને નિકાલ કર્યો હોવાની કબૂલાત આપી હતી જેથી મૃતકની લાશને શોધી કાઢી હતી

આ બનાવ સંદર્ભે મૃતકના દીકરા રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈને બાલુભાઈ થોભણભાઇ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, ભાવેશભાઈ થોભણભાઈ અઘારા જયદીપભાઇ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારા સામે હત્યાનો ગુનો નોધવામાં આવેલ હતો. ડીવાયએસપી જે.એમ.આલ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી થોભણભાઈ અઘારા સાથે મૃતકે જમીનના સોદા કરાવેલ હતા અને રૂપિયા મેળવી લીધા હતા જો કે, દસ્તાવેજો કરાવેલ ન હતા જેથી તે બાબતે રૂપિયા કઢાવવા મૃતક યુવાનને કારમાં બેસાડીને ભડિયાદ ગામ પાસે આવેલ બાલુભાઈના ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા હતા

ત્યાર બાદ બાલુભાઇ અઘારાએ તાજમહંમદભાઈને પ્લાસ્ટિકના પાઇપ વડે, જીતેશભાઈએ લાકડાના ધોકા વડે અને બાકીના આરોપીઓએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો હાલમાં આ ગુનામાં બી ડિવિઝન પીઆઇ વી.એન.પરમાર અને તેની ટીમે આરોપી બાલુભાઈ થોભણભાઇ અઘારા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, જયદીપભાઇ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારાની ધરપકડ કરેલ છે.

વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, ભડિયાદ નજીક તા 19 ના રોજ તાજમહંમદભાઈની હત્યા કરી નાખવામાં આવી હતી તે દિવસે મોડી રાતે ખાનગી વાહનમાં તેની લાશને શિવાય કોલ નામનું કારખાનામા લઈ ગયા હતા અને ત્યાં જમીનમાં ખાડો ખોદીને તેમાં તાજમહમદભાઈની બોડીને મૂકી હતી અને લાકડા ઉપર ડીઝલ જેવો જવલંતશીલ પદાર્થ છાંટીને બોડીને સળગાવી નાખી હતી. આટલુ જ નહીં ખાડો બુરવા માટે ઉપર માટી નાખી હતી અને પછી સિમેન્ટથી ધાબુ કરીને પુરાવાનો નાશ કર્યો હતો.

હાલમાં આ ગુનામાં 7 પૈકીનાં મુખ્ય આરોપી બાલુભાઈ અઘારા અને તેના પિતા થોભણભાઈ અઘારા સહિત 5 આરોપીને પકડવામાં આવેલ છે અને ગુનાના કામે વપરાયેલ ફોચ્ર્યુનાર સહિતની બે કાર અને ધોકા પાઈપાને કબ્જે લેવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ આ ગુનામાં હજુ જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા અને ભાવેશભાઈ થોભણભાઈ અઘારા નામના બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.










