
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબીના સુપ્રસિદ્ધ અને પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. રફાળેશ્વર ખાતે યોજાતા પરંપરાગત મેળા અને શિવરાત્રીના મહિમાને લઈ સમગ્ર વિસ્તારમાં ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો.

મંદિરના પૂજારી યોગેશ ભારતી ગોસ્વામીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રફાળેશ્વર મહાદેવનું શિવલિંગ ત્રેતાયુગ સમયનું અને સ્વયંભૂ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પાંડવોએ અહીં પિતૃતર્પણ વિધિ કરી હતી તેમજ ભીમ દ્વારા ભીમનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી, જેના કારણે આ સ્થળનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ વિશેષ ગણાય છે. શિવપુરાણ મુજબ મહાશિવરાત્રીનો દિવસ શિવલિંગના પ્રાગટ્ય દિવસ તરીકે માનવામાં આવે છે, જ્યારે ભગવાન મહાદેવ અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા.

મહાશિવરાત્રી નિમિત્તે આજે વહેલી સવારે ૩:૦૦ થી ૪:૦૦ વાગ્યાની વચ્ચે મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. દિવસભર મંદિર પરિસરમાં ભક્તિભાવનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું.

મેળામાં આવતા તેમજ દર્શનાર્થે પધારતા તમામ ભાવિકોને સરળતાથી દર્શન મળી રહે તે માટે મંદિર આખી રાત ખુલ્લું રાખવામાં આવશે તેવી માહિતી પૂજારીએ આપી હતી.
















