2024 પહેલાના પ્લાન પાસમાં કાર્યવાહી અયોગ્ય: વેપારીઓનો સામાન જપ્ત કરવાને બદલે વેરા વસુલો-દેથરીયા

મોરબી મહાપાલિકામાં કમિશ્નરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ટંકારાના ધારાસભ્ય હાજર રહ્યા હતા. તેઓની હાજરીમાં શહેરમાં ચાલતા અને આગામી સમયમાં જે જુદાજુદા વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે તેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ છેલ્લા દિવસોમાં વેપારીઓનો માલ જપ્ત કરવા માટે અને જુદાજુદા વિસ્તારોમાં ગેરકાયદે બંધકામોને રોકવા માટે મિકલતોને સીલ કરવા માટે જે કામગીરી કરવામાં આવી હતી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી અને મહાપાલિકાની ટિમ દ્વારા વેરાની વસુલાત માટે જે કામગીરી કરવામાં આવે છે.

તેની સામે ધારાસભ્યએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને છેલ્લા દિવસોમાં શહેરના મુખ્યમાર્ગ ઉપર વેપારીઓએ તેની દુકાનની બહારના ભાગમાં જે માલ સમાનના પથારા કર્યા હતા તે માલને મનપાની ટીમે જપ્ત કર્યો હતો તે બાબતની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

શહેરી વિસ્તારમાં જે મંજૂરી વગરના ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યા છે તે ગેરકાયદે બંધકામોને રોકવા માટે મનપાની ટિમ મિકલતોને સીલ કરી રહી છે તે કામગીરીનો ધારાસભ્યએ વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે, 31/12/24 પહેલા ગ્રામ્ય વિસ્તારમાંથી જે આસામીઓએ બાંધકામ મંજૂરી મેળવી હોય તેઓની મિલકત સીલ કરવામાં આવે તે યોગ્ય નથી.

ખાસ કરીને શહેરમાં સમાવેશ કરવામાં આવેલ ગામડાઓમાં મંજુર કરવામાં આવેલા નાણાપંચની ગ્રાન્ટના કામો વહેલી તકે કરાવવામાં આવે અને વેરા વસુલાત કામગીરીમાં અધિકારી અને કર્મચારી દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવું જણાવ્યુ હતું.















