
મોરબીમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન સવારે ૧૦:૦૦ થી રાતના ૧૦:૦૦ સુધી આયોજિત સશક્ત નારી મેળાનો મોરબી જિલ્લા પ્રભારી અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ શુભારંભ કરાવ્યો હતો, આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.

સરકારના વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાર્થક કરવા અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે. ત્યારે સરકારની નારી સશક્તિકરણ તથા ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીની નેમ સાથે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડવા અને મહિલાલક્ષી ઉદ્યોગો તેમજ કામગીરીને વધુ ઉત્તેજન મળે તેવા હેતુથી મોરબીમાં તા.૧૯/૧૨/૨૦૨૫ થી ૨૧/૧૨/૨૦૨૫ દરમિયાન ત્રિદિવસીય ‘સશક્ત નારી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રી ત્રિકમ છાંગા તથા કાંતિલાલ અમૃતિયાએ આ મેળાની મુલાકાત લઈને સ્ટોલ ધારકો સાથે ચર્ચા કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબીવાસીઓને મંત્રીઓએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભટ્ટ, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા તથા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








