

મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ સર્વે નં 1116 ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના મકાનો લાભર્થીઓને આપી દેવામાં આવેલ છે જો કે, તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા 336 લાભાર્થીના આવાસો રદ કરવામાં આવ્યા છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અંતર્ગત 400 આવાસોનો કોમ્પ્યુટર આધારિત ડ્રો તા. 30/01/2017 ના રોજ કરવામાં આવેલ હતો. આ ડ્રો માં સફળ થયેલ 400 લાભાર્થીઓ પૈકી 336 લાભાર્થીઓ યોજનાના નિયમો અને ધારા-ધોરણ મુજબ નિયત થયેલ પૂરેપૂરી રકમ સમયમર્યાદામાં ભરપાઈ કરવામાં આવી નથી, લાભાર્થીઓને સોંપવામાં આવેલ આવાસનો લાભાર્થીઓ દ્વારા કાયમી ધોરણે ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી અથવા તો ફાળવેલ આવાસનો અન્ય આસામી દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને એક કે બે નહીં પરંતુ 336 લાભાર્થીઓના આવાસ સક્ષમ કક્ષાએથી રદ્દ કરવામાં આવેલ છે.

અને રદ કરેલ આવાસ પરત મેળવીને મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી અરજીઓ મંગાવી પુન:ફાળવણી અર્થેની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. અને રદ કરેલ 336 આવાસોના લાભાર્થીઓના ડ્રો લીસ્ટની વિગતે મૂળ સરનામા અપૂરતા હોવાથી વ્યક્તિગત ટપાલ મોકલવું શક્ય ન હોવાને કારણે લાભાર્થીઓનું લિસ્ટ લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP)ની સાઇટ ઉપર બિલ્ડિંગ પ્રમાણે (ફાળવેલ આવાસના સરનામે) ચૌટાડીને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમજ મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ ઉપર પણ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અને આ યાદી તા. 3/3/26 થી 13/3/26 સુધી કચેરીના સમયે જોઈ શકાશે તેવું અધિકારી જણાવ્યુ છે.












