

મોરબી બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઈ ગુજરાત દ્વારા આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં મોરબી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ સેરશિયા તેમજ ક્રેડાઈ ગુજરાતના અગ્રણીઓ દ્વારા બાંધકામને લગતા વિવિધ પ્રશ્નોની મુદાસર રજુઆત કરાઈ હતી.

આ રજુઆતમાં જણાવાયુ હતું કે મોરબીને CGDCRની જોગવાઈ મુજબ ડી-4 કેટેગરીમાં લેવામાં આવે. જ્યાં સુધી ઓથોરિટી ડિકલેરના થાય, ડેવલપમેન્ટ પ્લાન ડિક્લેર કરીને તે ફાઈનલ ના થાય/ ટી.પી. સ્કીમમાં 40% વિસ્તાર ડેવલપ ના થાય ત્યાં સુધી આ નવી બનેલ તમામ મહાનગર પાલિકાઓને ડી-2 કેટેગરીમાં સમાવિષ્ટ ના કરવામાં આવે. ડી-4 કેટેગરીમાં પુરી FSI મળે છે. જ્યારે ડી-ર કેટેગરીમાં 40% કપાત આવે છે. જે બાંધકામ ક્ષેત્ર માટે મરણતોલ છે.

ભાવિ વિકાસમાં અડચણ ઉભી ના થાય તે હેતુસર નવી ટી.પી. સ્કીમોમાં 18 મીટરથી મોટા રોડ મુકવામાં આવે. શક્ય હોય તો ર4 મીટરથી નાના રોડ મૂકવા નહીં. વધુમાં નવી મહાનગરપાલિકાઓની તમામ ટી.પી. સ્કીમોની બેઝિક FSI માં વધારો કરી આપવો આવશ્યક છે કારણ કે, હાલમાં મળવાપાત્ર FSI ખૂબ જ ઓછી છે અને તેના પરિણામે પ્રોજેક્ટ કોસ્ટમાં જમીનની કિંમત વધારે લાગે છે. જે તારીખથી નવી આઠ મહાનગરપાલિકાઓને ડી-ર કેટેગરીમાં સમાવિષ્ટ કરેલ છે તે તારીખ પહેલાના ઇન્વર્ડ થયેલ પ્લાન મંજૂર કરી આપવા જરૂૂરી દિશાનિર્દેશ આપવામાં આવે. હાલમાં ડી-4 કેટેગરી ચાલુ રાખીને જ્યાં જ્યાં ઓથોરિટી ડિકલેર કરેલ છે ત્યાં શક્ય ત્વરીત ડી.પી. બનાવીને કે ટી.પી. સ્કીમ બનાવીને ઝડપથી ડેવલપમેન્ટ થાય તે માટે સરકાર તરફથી સહકાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.

જ્યાં સુધી તમામ નવી મહાનગરપાલિકાઓમાં ટાઉન પ્લાનિંગ સ્કીમના અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ તથા એન્જિનિયર્સ વિગેરેની પર્યાપ્ત માત્રામાં ભરતી ના થાય અને તમામ ડી.પી. ટી.પી. ઓથોરિટી બની ન જાય ત્યાં સુધી આ તમામ મહાનગરપાલિકાઓને ડી-4 કેટેગરીમાં રાખીને 12 મીટરનો ક્રોસ વે રોડ મુકાવીને ગ.અ. પરવાનગીઓ આપવામાં આવે.

જ્યાં ટી.પી. સ્કીમ બનાવવાની શક્યતા છે ફક્ત ત્યાં જ જમીનમાં કપાત લેવામાં આવે. પણ જ્યાં ટીપી સ્કીમ બનાવવાની શક્યતા જ નથી અને રિવાઈઝડ પ્લાન મંજુર કરવા શક્ય છે ત્યાં અને શહેરોની વચ્ચોવચ્ચ જે જમીનો ગઅ કરવાની બાકી હોય, પ્લાન પાસ કરવાના બાકી હોય કે પ્લાન રિવાઇઝડ માટે આવે તેવા વિસ્તારોમાં 12 મીટરનો ક્રોસ રોડ મૂકવા પહેલા જે રીતે ગ.અ. પરવાનગી આપતા હતા તે રીતે ગ.અ. પરવાનગી આપવાનું ચાલુ રાખવામાં આવે તેવી માંગ છે.


























