
મોરબીમાં રૂ. ૨.૪૭ કરોડના ખર્ચ જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત ચેરીટી ભવનનું ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે શ્રમ અને રોજગાર તથા કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા તથા મોરબી પ્રભારી અને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, સરકારના જન સુખાકારીના વિઝન સાથે આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે અહીં કામથી આવતી દરેક વ્યક્તિ હસતા ચહેરે પાછી જાય એ પ્રકારની કામગીરી કરવામાં આવે તો સાચા અર્થમાં સરકારનો લોક કલ્યાણનો અભિગમ સાર્થક થઈ શકશે. ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર ગણાતા મોરબી જિલ્લામાં ૪.૫ હજારથી વધુ ટ્રસ્ટ આવેલા છે જે ખરેખર ગર્વની વાત છે, ત્યારે આ તમામ ટ્રસ્ટ ૧૦૦ – ૧૦૦ વૃક્ષ વાવે અને તેનું જતન કરે તેવો તેમણે અનુરોધ પણ કર્યો હતો.

મંત્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબી જિલ્લાના વિવિધ ટ્રસ્ટ અને તેમની કામગીરી વિશે છણાવટ કરી હતી. તેમના પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ મોરબીમાં ૧૦ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે તેની પણ વાત કરી હતી. તેમણે મોરબીના તમામ ટ્રસ્ટ નિષ્ઠાવાન બની કામગીરી કરે તેવો અનુરોધ કર્યો હતો.

પ્રાસંગિક ઉદબોધન આપતા પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે, સરકારની કલ્યાણ રાજની ભાવનાને હેતુસભર બનાવવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ માટેનું આ ભવન મહત્વનું બની રહેશે અને મોરબીની સુખાકારીમાં વધારો થશે.

આ પ્રસંગે નવા ટ્રસ્ટને ટ્રસ્ટ નોંધણી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ ઉદ્ઘાટન પ્રસંગે સંતો મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય સર્વ દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેગજીભાઈ ચાવડા, કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ, મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, અમદાવાદ સંયુક્ત ચેરિટી કમિશ્નર યોગીની સિમ્પી, રાજકોટ સંયુક્ત ચેરિટી કમિશ્નર ચિરાગ જોશી, મોરબી મદદનીશ ચેરિટી કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજા, જિલ્લાના પદાધિકારીઓ, બાર એસોસિએશનના પ્રમુખ સહિતના પદાધિકારીઓ તથા વિવિધ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.







