
મોરબીમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષોથી શ્રાવણના દરેક સોમવારે વિશિષ્ટ સમવેદના અભિયાન ચલાવવામાં આવે છે અને તેવી જ રીતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પહેલા દૂધનો શિવલિંગ ઉપર પ્રતીકાત્મક અભિષેક કરીને પછી જ ઝૂંપટપટ્ટીના વંચિત બાળકોને દૂધનો દૂધપાક બનાવી પુરી- શાક સાથેનું શુદ્ધ સ્વાદિષ્ટ ભોજન કરાવી જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો મેસેજ આપ્યો છે.

યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડો. દેવેન રબારીની આગેવાની હેઠળ શ્રાવણના પ્રથમ સોમવારે મોરબીના વિવિધ વિસ્તારમાં સેવા પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. ખાસ તો શ્રાવણ માસમાં સોમવારે શિવલિંગ ઉપર વર્ષોથી દૂધનો અભિષેક કરવાથી શિવની કૃપા મળે એવી લોકોને દ્રઢ શ્રદ્ધા છે.

આથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવલિંગ ઉપર પ્રતીકાત્મક દૂધ ચડાવીને પછી જ ભૂખ્યા બાળકોને માત્ર ભોજન નહીં, પરંતુ દૂધપાક સાથેનું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ જમવાનું અને પ્રેમભેર લાગણીઓ આપી ભગવાન શિવના દર્શન સમાન અનુભવ કરાવવામાં આવ્યો હતો.




























