મોરબીમાં ૭૭ હજાર ખેડૂતોને રૂ. ૧૫.૫૬ કરોડનો પી.એમ. કિસાન હપ્તો જમા કરાયો

મોરબી જિલ્લાના ખેડૂતોને આર્થિક સદ્ધરતા અને કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગોર ખીજડીયા ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ અને ‘મિલેટ્સ મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ મતી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના ૭૭,૯૫૧ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૨માં હપ્તા પેટે રૂ. ૧૫.૫૬ કરોડથી વધુની રકમ સીધી જ જમા કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં જણાવામાં આવ્યું હતું કે, સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી તેમની આર્થિક ઉન્નતિ માટે કટિબદ્ધ છે. ખેડૂતોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી અપનાવવા અને જમીન તથા સ્વાસ્થ્યની સુરક્ષા કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો.

સરકારની વિવિધ સબસિડી અને યોજનાઓનો મહત્તમ લાભ લઈ ખેડૂતોએ પોતાની ખેતીને આધુનિક બનાવવા તરફ આગળ વધવા જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત કૃષિ રાહત પેકેજમાં મોરબી ખેતીવાડી ટીમની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને ઉપસ્થિત ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ તકે ખેડૂતો માટે ખેતીવાડી, બાગાયત, પ્રાકૃતિક કૃષિ અને આરોગ્ય સહિત વિવિધ વિભાગ દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જેની મહાનુભાવોએ પણ મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.વી. પરસાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક એમ.એફ. ભોરણીયા, અને સંબંધિત વિભાગના અધિકારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!