ફોરેસ્ટ અધિકારીઓની ટીમ સીમ વિસ્તારમાં દોડી: પક્ષીઓના પોસ્ટમોર્ટમ કરાવાશે

મોરબીના ચાંચાપર ગામના સીમ વિસ્તારની અંદર લગભગ 20થી વધુ કુંજ પક્ષીઓના મોત નિપજ્યા હતા જે બનાવની ગામના લોકોને જાણ થતાની સાથે જ આ બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ જે પક્ષીઓના મોત થયા છે તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં દર વખતે શિયાળા દરમિયાન બહારના પક્ષીઓ જુદા જુદા વિસ્તારમાં આવતા હોય છે. દરમિયાન જો વાત કરીએ મોરબી તાલુકાના ચાચાપર ગામની તો ચાચાપર ગામના સીમ વિસ્તારની અંદર 20થી વધુ કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

જે અંગેની ગામના લોકો દ્વારા ગામના સરપંચના પતિ રમેશભાઈ ભીમાણીને જાણ કરવામાં આવતા રમેશભાઈ ભીમાણી તથા ગામના આગેવાનો સહિતના લોકો ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા. મૃતક પક્ષીઓના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે.






