
મોરબી શહેરમાં ઓવરટેક કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ગંભીર બનાવમાં ફેરવાઈ જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. મોટરસાઈકલ પરથી આવતા વ્યક્તિ દ્વારા હોર્ન મારી ઓવરટેક કરવાની બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.

ત્યારબાદ રંગોલી આઈસ્ક્રીમ નજીક એક કિશોરે છરી વડે હુમલો કર્યો હતો.
હુમલામાં થયેલો ઘા ગંભીર હતો તેમજ અન્ય બે ઘા મારવામાં આવ્યા હતા, જેના પરિણામે ઇજાગ્રસ્તનું મૃત્યુ થયું હતું. ઘટનાને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસમાં સંડોવાયેલા ભરત ઉર્ફે બી.કે. કાળું (રહે. લીલાપર રોડ)ના ગુનાહિત ઈતિહાસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઘરની જડતી દરમિયાન પરિવારના સભ્ય પાસેથી બિયરનાં 22 નંગ તથા બુલેટ સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત, મર્ડર કેસને લગતા અગત્યના પુરાવા એકત્રિત કરવા સીસીટીવી સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ તથા અન્ય તકનિકી તપાસ આર.એસ. પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કાળા કાચ ધરાવતી ચાર-ચક્રી વાહનો અને મોટરસાઈકલ ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે. એલસીબી, એસઓજી તથા અન્ય ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી નિયમિત ચેકિંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


















