
મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં આ ગુનામાં મુખ્ય મહિલા આરોપી સહિત કુલ બે આરોપીને પકડવામાં આવેલ છે અને આ આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે અને જે બે આરોપીને પકડવામાં આવેલ છે.

તેમાંથી એક આરોપીનો કૌભાંડમાં મુખ્ય રોલ છે જયારે બીજા આરોપીની ભૂમિકા મુખ્ય મહિલા આરોપીના ઘર સુધી પહોચવાથી લઈને બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા સુધીની અને મહત્વનો બોગસ સરકારી પુરાવો ઊભો કરવાની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેથી પ્રારંભથી જ આ આરોપીઓનો મહત્વનો રોલ હોય તેવું દેખાઈ રહ્યું છે.

વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ કરીને બારોબાર પચાવી પાડવા માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ હતો જો કે, તેમાં આરોપી કોણ કોણ છે તેને લઈને હજુ ઘણી અવઢવ ચાલી રહી છે તેવામાં માર્ચ-2025 માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાયેલ હતી આ ગુનામાં સીઆઇડીની ટિમ દ્વારા અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં તે બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ ગુનામાં અન્ય લોકોની પણ સંડોવણી હોય આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી હતી તેવામાં સીઆઇડીના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટીમે આ ગુનામાં મુખ્ય મહિલા આરોપી શાંતાબેન મનજીભાઇ પરમાર (70) રહે. લાભનગર વેજીટેબલ રોડ મોરબી અને સાગર નવઘણભાઇ સાવધાર રબારી (39) રહે. રબારીવાસની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે અગાઉ આ ગુનામાં પોલીસે હેતલબેન ભોરણિયા અને ભરતભાઇ દેગામા નામના બે આરોપીની ધરપકડ કરી હતી.

હાલમાં સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ જે મુખ્ય મહિલા આરોપી શાંતાબેન પરમારની ધરપકડ કરી છે તેના નામે ફરિયાદીની જમીન કરવામાં આવી હતી અને તેના માટે બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરવામાં આવ્યા હતા જો કે, તે મહિલા અજ્ઞાન હોવાથી આ બોગસ દસ્તાવેજ કોણે બનાવ્યા અથવા તો બોગસ દસ્તાવેજ બનાવવા માટે કોણે મદદ કરી હતી તે સૌથી મોટો સવાલ હાલમાં સીઆઇડી સામે ઊભો છે.

અને સાગર રબારી નામના જે આરોપીને પકડવામાં આવેલ છે તે આરોપીએ મુખ્ય મહિલા આરોપીના ઘર સુધી જઈને તેનો સંપર્ક કર્યો હતો અને આટલું જ નહીં શાંતાબેનનું જે બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું તે ઓપન કરાવવામાં અને શાંતાબેનનું જે બોગસ પાન કાર્ડ બનાવવામાં આવ્યું છે તે બંને કામમાં સાગરની મહત્વની ભૂમિકા હતી તેવું ચર્ચાઇ રહ્યું છે.

અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં હજુ ઘણા આરોપીઓને પકડવાના બાકી છે જેથી કરીને આ ગુનાની તપાસ કરી રહેલા સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટીમો જુદીજુદી દિશામાં તપાસ કરી રહી છે. ત્યારે જમીનના મૂળ માલિકની જાણ બહાર અંદાજે 35 કરોડની કિંમતી જમીન હડપ કરવા માટેના ન માત્ર મોરબી પરંતુ ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા આ કૌભાંડમાં આગામી દિવસોમાં કોણ કોણ આરોપી બને છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.























