ખાતામાંથી 7.60 લાખ ઉપડી પણ ગયા: અમદાવાદ અને બોટાદના શખ્સની શોધખોળ

સમગ્ર દેશમાં યેનકેન પ્રકારે કમિશન આપીને લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે લેવામાં આવે છે અને ત્યારબાદ તેમાં સાયબર ફ્રોડના નાણા મેળવી સગેવગે કરવામાં આવે છે જેથી આવા મ્યુલ એકાઉન્ટના ધારકો સામે ગુના નોંધીને પોલીસ દ્વારા આ ગુનાના મૂળ સુધી જવા માટેની કવાયત કરવામાં આવી રહી છે તેવામાં મોરબીમાં રહેતા ડોક્ટર દ્વારા તેનું બેન્ક એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશનમાં ભાડે આપવામાં આવ્યું હતું.

અને તે બેન્ક એકાઉન્ટમાં 14.55 લાખ રૂપિયા આવતા તે પૈસાને સગેવગે કરવામાં આવ્યા છે જેથી ડોક્ટર સહિત કુલ ત્રણ શખ્સોની સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જે પૈકી હાલમાં પોલીસે ડોક્ટરને પકડીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં લાતી પ્લોટ શેરી નંબર 14 માં આવેલ ખ્વાજા પેલેસ ખાતે રહેતા ડોક્ટર સુજલ સબીરભાઈ ચામડીયા (20) તથા ચિરાગ રહે. અમદાવાદ અને મનોજ વાલજીભાઈ મકવાણા રહે. રંગપર તાલુકો બોટાદ વાળાની સામે ગુનો નોંધાયો છે જે અંગેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા અને વાવડી રોડ ઉપર ડોક્ટરની પ્રેક્ટિસ કરતા સુજલ સબીરભાઈ ચામડીયાએ પોતાનું બેન્ક એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશન પેટે ચિરાગ અને મનોજને ભાડે આપ્યું હતું.

અને ત્યારબાદ ચિરાગ અને મનોજે તેઓની સાથે લાગતા વળગતા શખ્સો સાથે પૂર્વ આયોજિત કાવતરું કરીને જુદા જુદા વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડી કરીને ડોક્ટર સુજલ ચામડીયાના બેન્ક એકાઉન્ટમાં 14,55,349 રૂપિયા મેળવ્યા હતા જે પૈકીના 7,60,034 રૂપિયા વિડ્રો કરવામાં આવ્યા હતા.

જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે.સાંગાણી અને તેની ટીમ દ્વારા આરોપી સુજલ સબીરભાઈ ચામડીયા (20) ની ધરપકડ કરેલ છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.















