
મોરબીના ઇન્દિરાનગર અને તેની બાજુમાં આવેલ મફતીયાપરામાં જુદા જુદા બે સ્થળ ઉપર અસામાજિકતત્વો દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યાં રહેણાંક મકાન બનાવ્યા હતા જે રહેણાંક મકાનોને રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવેલ છે અને અંદાજે ત્રણ કરોડથી વધુની કિંમતની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે
સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા લાલ કરવામાં આવી છે અને જુદા જુદા વિસ્તારની અંદર દારૂ, શરીર સંબંધી અને અન્ય ગુનાઓમાં વારંવાર ઝડપાયેલા આરોપીઓના ગેરકાયદે જે કોઈ બાંધકામ હોય તેને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ગઇકાલે મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં દારૂના ગુના સાથે સંકળાયેલ વાલજી શામજીભાઈ જંજવાડિયા તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ મનસુખ હનાભાઈ ચાવડા નામના બે અસામાજિક તત્વોના રહેણાંક મકાનના દબાણ ઉપર રેવન્યુ વિભાગના મામલતદાર સહિતની ટીમને સાથે રાખીને

જેસીબી અને હિટાચી મશીન ફેરવીને દબાણોને તોડી પડ્યા છે તેવી માહિતી મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાએ આપી હતી. તાલુકા મામલતદાર ચિરાગભાઈ નિમાવત પાસેથી મળેલ માહિતી મુજબ મહેન્દ્રનગર ગામે સર્વે નંબર 196 પૈકી 1 ના સરકારી ખરાબામાં આવેલ મફતિયાપરામાં વાલજી શામજીભાઈ જંજવાડીયાએ 100 ચોરસ મીટર જગ્યા ઉપર દબાણ કરીને મકાન બનાવ્યું હતું.

જ્યારે મહેન્દ્રનગર ગામના સર્વે નંબર 190 પૈકી 3 વાળી સરકારી જમીન ઉપર મનસુખભાઈ હનાભાઈ ચાવડા એ 250 ચોરસ મીટર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને મકાન બનાવ્યું હતું આ બંને જગ્યાએ થઈને કુલ 350 ચોરસ મીટર સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું જે મકાનોને તોડી પાડીને જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે આ જમીનની સરકારી જંત્રી દર મુજબની 73.50 લાખ કિંમત થાય છે જો કે, બજાર કિંમત મુજબ તે 3 કરોડ કરતાં વધુની જમીન છે

અસામાજિક પ્રવૃત્તિઓમાં દિવસે ને દિવસે વધારો થાય છે ત્યારે રાજ્ય પોલીસ વડાની સુચના મુજબ સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા લાલા આંખ કરવામાં આવી છે અને અવારનવાર ગુનાઓમાં પકડાતા અસામાજિક તત્વોની સામે ડીમોલેશનનું શસ્ત્ર ઉગામ્યું છે જેના ભાગરૂપે મોરબીમાં પણ જુદી જુદી જગ્યાએ અસામાજિક તત્વોએ સરકારી જમીન ઉપર કરેલ દબાણ તોડી પાડવામાં આવે છે તેવામાં ઇન્દિરાનગર વિસ્તારમાં 3 કરોડની કિંમતની જમીન ઉપર બુલડોઝર ફેરવીને સરકારી જમીનને રેવન્યુ અને પોલીસ વિભાગે દબાણ મુક્ત કરેલ છે.







