
‘ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતં સંસ્કૃતિસ્તથા’ એ સૂક્તિ અનુસાર સંસ્કૃતભાષા અને સંસ્કૃતિ એ ભારત દેશની પ્રતિષ્ઠા ના મૂળ આધાર સ્તંભ છે. દેવભાષા સંસ્કૃતભાષાના પ્રસાર અને પ્રચાર માટે જન-જન સુધી સંસ્કૃત ભાષાના મહત્વને પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામની પુણ્ય પવિત્ર ભૂમિમાં શ્રી કનકેશ્વરી દેવી ગુરુ પૂ. શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ સંચાલિત શ્રી સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ત્રિદિવસીય સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં ઋષિકુમારો દ્વારા વૈદિક મંગલાચરણ કરી વાતાવરણ મંત્રમુગ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડો. દીપકભાઈ મહેતા દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ મોરબી ક્ષેત્રના વિદ્વાન સંસ્કૃતજ્ઞ નિખિલભાઇ પંડ્યા દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વ વિષયે રસપ્રદ વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું. સમગ્ર સભાનું વાતાવરણ દેવભાષા સંસ્કૃત ભાષામય રહ્યું હતું.

ત્યાર બાદ મંત્રકંઠપાઠ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 વિદ્યાર્થીઓએ ભાગગ્રહણ કર્યો હતો. ત્યારબાદ અક્ષરશ્ર્લોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા દિવસે શ્લોકકંઠપાઠ સ્પર્ધા, ત્રીજા દિવસે સ્તોત્રકંઠપાઠ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સભાનું દેવભાષામાં સંચાલન વિદ્યાલયના માનદ અધ્યાપક શ્રીનિકુંજભાઈ દવે દ્વારા મનોહર શૈલીથી કરવામાં આવ્યું હતું.



















