


તાજેતરમાં મોરબી સિરામિક એસો.ના હોદેદારોએ મોરબીના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવતા એક્સપોર્ટમાં ફસાયેલ નાણાની રિકવરી કરાવવા અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને સંસદ ભવન દિલ્હી ખાતે રજૂઆત કરી હતી. ત્યારે મોરબી સિરામિક એસો.ના પ્રમુખો, ઉદ્યોગકારો ઉપરાંત સાંસદ અને માજી સાંસદ તેઓની સાથે રહ્યા હતા.

મોરબી સિરામિક એસો.ના પ્રમુખો મનોજભાઇ એરવાડીયા અને હરેશભાઈ બોપાલિયા તેમજ અન્ય સિરામિક ઉદ્યોગકારો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને એક્સપોર્ટમાં ફસાયેલ નાણાની રિકવરી કરાવવા રજૂઆત કરવા માટે ગયા હતા.

ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડા અને માજી સાંસદ મોહનભાઇ કુંડારિયા, રાજેશભાઈ ચુડાસમા તેઓની સાથે રાજ્ય હતા અને મંત્રી મનસુખભાઈ માંડવીયાએ મોરબીના સિરામિક એસો.ના પ્રમુખોની રજૂઆતને સાંભળીને હકારાત્મક અભિગમ દાખવીને ભારત સરકાર દ્વારા શક્ય તેટલી તમામ મદદ કરવા માટે ખાતરી આપી અને સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.

આ ઉપરાંત સિરામિક ઉદ્યોગને અસર કરતા કસ્ટમ તથા એક્સાઇઝ વિભાગના પ્રશ્નો અને ગ્રાઉન્ડ વોટર બોરવેલ બાબતે આવેલ નોટિસ અંગે પણ સિરામિક ઉદ્યોગને રાહત મળે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ખાતરી આપતા જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગને અસર કરતા તમામ પ્રશ્નોનું શક્ય તેટલી વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે.



























