
મોરબીના શનાળા શાનલા ગામે વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડા રૂપિયા સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી અને આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે મોરબી એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી છે.

મોરબીના શનાળા ગામે રહેતા ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણી (47)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલજીભાઈ રબારી રહે. સનાળા વાળાની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તે પોતાની દુકાનેથી મંગળવારે ઘરે જતાં હતા ત્યારે તેના ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી 4 લાખ રૂપિયા લીધેલા હતા.

જેમાંથી બજરંગ પાન વાળા કેતનભાઇને તેઓએ 30,000 રૂપિયા આપ્યા હતા અને 20,000 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખ્યા હતા જોકે, સાડા ત્રણ લાખ રૂપિયા થેલામાં હતા જે થેલાની લૂંટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ વેપારીએ લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

સ્થાનિક પોલીસ અને એલસીબીની ટિમ આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી તેવામાં પોલીસે આરોપી વિશાલ વેલજીભાઇ આલ (25) રહે, શનાળાની ધરપકડ કરી હતી તેની પાસેથી લૂંટમાં ગયેલ 3.50 લાખ કબ્જે કર્યા છે અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ કરવામાં આવી હતી.


























