
મોરબીના વજેપર શેરી નં-23 પાસે સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને તે બાબતને લઈને સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે જેથી આ બાબતે સામાજિક કાર્યકરો દ્વારા હાલમાં મહાપાલિકાના કમિશનર અને મોરબીના ધારાસભ્યને લેખિત રજૂઆત કરીને દબાણ દૂર કરવા માટે થઈને તાત્કાલિક પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, ગીરીશભાઈ કોટેચા, જગદીશભાઈ બાંભણિયા તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા મહાકાલિકાના કમિશનર અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના વજેપર શેરી નં-23 માં આવેલ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં ભૂંડ પકડીને રાખવામાં આવે છે જેના કારણે ગંદકી ફેલાય છે.

અને દુર્ગંધ આવતી હોય છે અને રોગચાળો ફેલાવવાની દહેશત હોય છે આટલું જ નહીં ત્યાં બાજુના જ વિસ્તારમાં આંગણવાડી આવેલ છે અને આંગણવાડી પણ જર્જરીત હાલતમાં છે જેથી ગંદકીના કારણે બાળકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય તેવી શક્યતા છે.

જેથી મહાપાલિકાની ટીમ દ્વારા વજેપર શેરી નં 23 અને 22 તરફ જવાના રસ્તા ઉપર જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં ગેરકાયદેસર દબાણ દૂર કરીને ગંદકી સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.















