ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી, યુવાને યુક્રેનમાં શરણાગતી સ્વીકારી મદદ માંગતો વીડિયો મોકલ્યો મોરબી જિલ્લાના એક યુવકનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ…

મોરબી જિલ્લાના એક યુવકનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વાઇરલ થયો છે. આ વીડિયોમાં આ વ્યક્તિ લોકોને અપીલ કરી રહ્યો છે કે તેઓ કોઈપણ સંજોગોમાં રશિયન સેનામાં સામેલ ન થાય. વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેને કથિત રીતે ખોટા ડ્રગ્સ કેસમાં બ્લેકમેલ કરીને રશિયન સેનામાં સેવા આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિની ઓળખ સાહિલ મોહમ્મદ હુસૈન તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે સાહિલે આ વીડિયો યુક્રેનિયન સેના દ્વારા પકડાયા પછી બનાવ્યો છે.

આ ખુલાસો એક ભારતીય વિદ્યાર્થીએ કર્યો છે, જે રશિયામાં અભ્યાસ કરવા ગયો હતો, પરંતુ તેને જબરદસ્તીથી રશિયન સેનામાં સામેલ કરીને યુક્રેન બોર્ડર પર મોકલી દેવામાં આવ્યો છે. વિરોધ કરવા પર યુવકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી. મજબૂરીથી યુવકને સેનામાં જોડાવું પડ્યું અને હવે તે યુક્રેન બોર્ડર પર છે, જ્યાંથી તેણે વીડિયો મોકલીને પોતાની આપવીતી સંભળાવી અને ભારતીયોના નામે એક અપીલભર્યો સંદેશ આપતા વડાપ્રધાન મોદી પાસે મદદની માગ કરી છે.

ગુજરાતના મોરબી જિલ્લાના રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેનથી વીડિયો મેસેજ મોકલ્યો છે. સાહિલે ભારતીયોને રશિયન સેનામાં ન જોડાવા અપીલ કરી છે. કારણ કે તે રશિયામાં ભણવા માટે ગયો હતો, પરંતુ તેને ડ્રગ્સ સ્મગલિંગના ખોટા કેસમાં ફસાવીને સેનામાં જબરદસ્તી ભરતી કરવામાં આવ્યો અને યુક્રેનની સરહદ પર મોકલી દેવામાં આવ્યો. સાહિલે ભારત સરકાર અને વડાપ્રધાન મોદી પાસે મદદ માંગી છે, જેના જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ભારતીયોની મુક્તિ માટે પ્રયાસ કરવા જણાવ્યું છે.

સાહિલે જણાવ્યું કે જ્યારે તે યુક્રેન બોર્ડર પર ગયો ત્યારે યુક્રેનની સેનાએ તેને પકડી લીધો. રશિયામાં જ્યારે તે અભ્યાસ કરતો હતો ત્યારે એક કુરિયર કંપનીમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. એક દિવસ રશિયન પોલીસે તેને પકડી લીધો અને ડ્રગના ખોટા કેસમાં ફસાવી દીધો. જ્યારે તેણે પોતાના દસ્તાવેજો બતાવ્યા ત્યારે રશિયન સેનામાં ભરતી થવાની શરતે તેને મુક્ત કરવાની વાત કહી. મજબૂર થઈને તેને રશિયન કરાર સ્વીકારવો પડ્યો અને પછી 15 દિવસની તાલીમ પછી રશિયન સેનાએ તેને બોર્ડર પર મોકલી દીધો.

સાહિલે જણાવ્યું કે બોર્ડર પર પહોંચતા જ તેણે યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી દીધું અને તેમને પોતાની આપવીતી સંભળાવી. યુક્રેનની સેનાએ તેને વીડિયો બનાવીને ભારત સરકાર અને ગુજરાતમાં તેની માતાને મોકલવા કહ્યું. સાથે જ આ મેસેજ આપવા કહ્યું કે ભારતીયો રશિયન સેનાના દબાણમાં આવીને આર્મી જોઈન ન કરે. વીડિયો મળ્યા પછી, સાહિલની માતાએ તેના પુત્રની સુરક્ષિત વાપસી માટે દિલ્હીની એક અદાલતમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી ફેબ્રુઆરી 2026માં થશે.







