HomeAllમોરબીથી પ્રોપેન ગેસ ટેન્કરના ઓર્ડર લેવાનું બંધ : ઉદ્યોગોમાં 50% કાપ

મોરબીથી પ્રોપેન ગેસ ટેન્કરના ઓર્ડર લેવાનું બંધ : ઉદ્યોગોમાં 50% કાપ

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના ભાવમાં મોટા ભાગે ઘણો તફાવત રહેતો હોય છે અને તેમાં પ્રોપેન ગેસ ઉદ્યોગકારોને સસ્તો પડતો હોવાથી છેલ્લા વર્ષોમાં સિરામિક ઉદ્યોગકારો પ્રોપેન ગેસના વપરાશ તરફ વળી ગયા હતા જેથી ગુજરાત ગેસની ડિમાન્ડ ઘટી ગઈ હતી પરંતુ ગત ફેબ્રુઆરી માસના અંતમાં મોરબીના ઘણા બધા સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ મેળવવા માટે એમજીઓ કરાર કરવાની અરજીઓ કરી હતી પણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાયા બાદ ગુજરાત ગેસ કંપનીએ તેના કાયમી ગ્રાહકોને તેઓએ કરેલા એનજીઓના 50 ટકા જેટલો ગેસ અને ગત ફેબ્રુઆરી મહિનામાં જે નવા ગ્રાહકો ગુજરાત ગેસ કંપનીમાં જોડાયા છે.

તેઓને માસિક એનજીઓના માત્ર 6 દિવસ જેટલો જ ગેસ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તેવું સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળી રહ્યું છે અને હજુ પણ આ નિર્ણયમાં ફેરફાર આવી શકે છે તેવું ચર્ચાઇ રહ્યું છે. તા.6 થી 31 માર્ચ સુધી આ કાપ રહેશે.

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર હવે મોરબી સુધી પહોંચી ગઈ છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કારણકે વિશ્વ કક્ષાનો મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ઓક્સિજન ઉપર આવી ગયો છે તેવી પરિસિ્થતિનું નિર્માણ થયું છે સામાન્ય રીતે ઉદ્યોગકારો પોતાના કારખાના 24 કલાક ચાલુ રાખીને ત્યાં સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હોય છે પરંતુ સિરામિક કારખાનું ચાલુ રાખવા માટે જરૂરી ઇંધણ એટલે કે ગેસ ન મળવાના કારણે ના છૂટકે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને પોતાના કારખાના બંધ કરવા પડશે. તે હક્કિત છે.

સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીમાં જેટલા સિરામિક કારખાના ચાલુ છે તેમાંથી 70 ટકામાં પ્રોપેન ગેસ અને 30 ટકામાં નેચરલ ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જોકે, ઈરાન દ્વારા સાઉદીમાં સૌથી મોટી રિફાઇનરી ઉપર હુમલો કરવામાં આવેલ છે ત્યાર બાદ પ્રોપેન ગેસની સપ્લાયની ચેન તૂટી ગઈ છે.

મોરબીમાં પ્રોપેન ગેસ સપ્લાય કરતી એજન્સી દ્વારા હાલમાં પ્રોપેન ગેસના ટેન્કર માટેના નવા ઓર્ડર લેવાનું સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. અને જે ગ્રાહકોના ઓર્ડર પેન્ડિંગ છે તેઓને પણ જ્યાં સુધી કંડલા પોર્ટ ઉપર ગેસનો જથ્થો હશે ત્યાં સુધી જ પ્રોપેન ગેસ મળી શકે તેમ છે જેથી હવે ગમે ત્યારે મોરબીનો સીરામીક ઉદ્યોગ બંધ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થયેલ છે.

બીજી બાજુ મોરબીમાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસની સપ્લાય કરવામાં આવે છે જોકે નેચરલ ગેસનો ભાવ સામાન્ય રીતે પ્રોપેન ગેસ કરતાં ઊંચો રહેતો હોવાના કારણે નેચરલ ગેસના ગ્રાહકોની સંખ્યા છેલ્લા વર્ષોમાં ઘટી ગઈ હતી જેથી અંદાજે 16 થી 17 લાખ કયુબિક મીટર જેટલો ગેસ ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના કારખાનાઓમાં સપ્લાય કરવામાં આવતો હતો પરંતુ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ઘણા બધા સિરામિક કારખાનેદારો દ્વારા ગુજરાત ગેસ કંપની સાથે માસિક એમજીઓ કરીને ગેસ મેળવવા માટે અરજીઓ કરી હતી. તેમાંથી કેટલાક નવા ગ્રાહકો સાથે એમજીઓ કરવામાં આવેલ છે.

જો કે, યુદ્ધની પરિસ્થિતિના કારણે ગેસની કટોકટી ઉભી થાય તેમ છે જેથી ગુજરાત ગેસ કંપની દ્વારા તેઓના કાયમી ગ્રાહકોને માસિક એમજીઓનો 50 ટકા જેટલો ગેસ આપનો નિર્ણય કરવામાં આવેલ છે જ્યારે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં જે નવા ગ્રાહકો દ્વારા ગુજરાત ગેસ કંપની સાથે માસિક એનજીઓ ગેસ મેળવવા માટે કરાર કરવામાં આવેલ છે.

તેઓને મહિનાના માત્ર છ દિવસ જેટલો જ ગેસ આપવામાં આવશે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવેલ છે અને તેની ઉદ્યોગકારોને ઈમેલથી જાણ કરવામાં આવેલ છે. અને આ નિર્ણયમાં પણ ભવિષ્યમાં ફેરફાર આવી શકે છે તેવું ચર્ચાઇ રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીમાં સરેરાશ 70 લાખ કયુબિક મીટર જેટલા ગેસનો ઉપયોગ કરીને ઉદ્યોગકારો દ્વારા સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે જેમાંથી 16 થી 17 લાખ કયુબિક મીટર જેટલો નેચરલ ગેસ તથા બાકીનો પ્રોપેન ગેસ મોરબીમાં વાપરવામાં આવતો હોય છે પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું હાલમાં એજન્સીએ સદંતર બંધ કરી દીધું છે.

ત્યારે એકમાત્ર વિકલ્પ હવે ગુજરાત ગેસ રહ્યો છે અને ગુજરાત ગેસ પાસેથી કરાર કરીને નેચરલ ગેસ મેળવવા મોરબીના ઘણા બધા ઉદ્યોગકારો દ્વારા ફેબ્રુઆરી માસમાં અરજીઓ કરવામાં આવી હતી.

લગભગ 60 લાખ કયુબિક મીટર જેટલા ગેસની ડિમાન્ડ મોરબીના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી હતી અને આજની તારીખે ગુજરાત ગેસની સપ્લાઈ લગભગ બમણી એટ્લે કે 30 લાખ કયુબિક મીટર સુધી પહોચી ગયેલ છે. અને તેમાં 50 ટકા જેટલો કાપ મુકવામાં આવ્યો છે.જો ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ લાંબુ ચાલશે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારો ઉપર આર્થિક સંકટ આવી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.કંપનીએ એવું પણ કહ્યું છે કે વધુ ગેસ વાપરનાર કંપનીને તુરંત પુરવઠો બંધ કરી દેવાશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!