રામકો ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમઃ ઉમિયા સર્કલ પાસે બ્રીજ, નવી મનપા બિલ્ડીંગ, ફાયર સ્ટેશનના કામ શરૂ થશે

મોરબી શહેર તથા જિલ્લાનો સમતોલ વિકાસ થાય તેના માટે રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા બન્યા બાદ સરકારમાંથી કરોડો રૂપિયા મોરબીના વિકાસ માટે આપવામાં આવ્યા છે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં મોરબીમાં લોકાર્પણ અને ખાતમહુર્તનો કાર્યક્રમ યોજાશે.

જેમાં મહાપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિસ્તારમાં જુદી જુદી સરકારની યોજનાઓ હેઠળ પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ તથા આગામી સમયમાં થનારા કામોનું ખાતમહૂર્ત કરવામાં આવશે અને એક જ દિવસમાં મોરબી જિલ્લામાં કુલ મળીને 1042 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત થવાનું છે.

દેશ અને દુનિયામાં સીરામીકની ચમકના કારણે જાણીતું બનેલ મોરબી શહેર હવે નવા રંગરૂપ ધારણ કરતું હોય તેવું નજરે પડી રહ્યું છે એક વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા જુદી મહાનગરપાલિકાનો દરજ્જો મળતા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે આપવામાં આવેલ છે તેના થકી અનેક કામો કરવામાં આવ્યા છે.

હાલમાં કેટલાક કામો પ્રગતિ હેઠળ છે તેવામાં શનિવારે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો ગ્રાઉન્ડ ખાતે ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં લોકાર્પણ અને ખાતમહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે રાજ્યના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મોરબી શહેર ભાજપની ટીમ દ્વારા વોર્ડ વાઇઝ મીટીંગો કરીને વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાઈ તેના માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

વધુમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે માંગીએ તેટલી ગ્રાન્ટ અને જોઈએ તે વિકાસ કામની મંજૂરી હાલમાં આપવામાં આવી રહી છે મચ્છુ નદી ઉપર જુદી જુદી જગ્યા ઉપર બે બ્રિજ બનાવવામાં આવશે.

સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે એક ઓવરબ્રીજ બનાવવામાં આવશે, જિલ્લાના લોકોને આરોગ્ય લક્ષી સારી સુવિધાઓ મળે તેના માટે થઈને અનેક આરોગ્ય સેન્ટરના કામ કરવામાં આવશે, મહાનગરપાલિકાની નવી બિલ્ડીંગ, નવું સર્કિટ હાઉસ, નવું ફાયર સ્ટેશન જુદી-જુદી બે જગ્યાએ બનશે.

આમ અનેકવિધ કામો આગામી સમયમાં થનાર છે હાલમાં કેટલાક કામો પૂર્ણ થઈ ગયા છે તેનું સીએમ લોકાર્પણ કરશે અને જે નવા કામ શરૂ થવાના છે તેનું ખાતમહુર્ત કરશે. આમ મોરબીમાં ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એક જ દિવસમાં કુલ મળીને 1042 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત થવાનું છે. આ મુલાકાત દરમિયાન શું નવી સુવિધાનો લાભ મળવા માટેની જાહેરાત થશે તેના ઉપર સહુ કોઈની મીટ મંડાયેલ છે.










