
વિદેશમાં નોકરીની લાલચ ગુજરાતના 10 યુવકોને ભારે પડી છે. મ્યાનમાર ગયેલા 100થી વધુ લોકો ત્યાં ફસાઈ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 20 દિવસથી વધુ સમયથી અનેક યુવકો મ્યાનમારમાં અટવાયેલા છે. આ યુવકોમાં ગુજરાતના 10 યુવાન પણ ફસાયા છે. યુવકોએ વીડિયો વાયરલ કરી મદદ માંગી છે.

મળતી માહિતી અનુસાર મુજબ વડોદરા જિલ્લાના સાવલી સહિત ગુજરાતના અલગ-અલગ વિસ્તારોના લગભગ 10 લોકોને સારી નોકરી આપવાનું કહી મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ યુવકોને વિદેશમાં સારી આવક અને સુખાકારીના સપના બતાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને ગેરકાયદે કામ કરવા મજબૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વાયરલ વીડિયોમાં અનેક યુવકો દેખાઈ રહ્યા છે. જેમાંથી એક યુવકે આપવીતી જણાવતાં કહ્યું હતું કે ‘અમને દગો કરીને અહીં લાવવામાં આવ્યા છે. અમને કામ આપવાના બહાને કહ્યું હતું કે તમને ડેટા એન્ટ્રીનું કામ મળશે. કોઈને જાહેરાત કરવાની લાલચ આપી બોલાવવામાં આવ્યા, અહીં આવ્યા ત્યારે ખબર પડી કે અમને અલગ જ કામ કરાવે છે એ પણ બળજબરીપૂર્વક, અમને ક્યાંય જવા પણ નથી દેતા અને 14થી 18 કલાક સુધી કામ કરાવે છે.’ વીડિયોમાં ઘણા બધા યુવકો અને યુવતીઓ છે જે મોઢે માસ્ક પહેરી ઊભા છે.

વધુમાં યુવકે જગ્યાનું નામ આપતાં જણાવ્યું કે ‘અમને કંપનીમાંથી નીકળવાનો મોકો મળ્યો એટલે મ્યાનમારમાં માયાવાડી કરીને વિસ્તાર છે જ્યાં એક NGO છે ત્યાં 4 ડિસેમ્બરથી અમે રોકાયેલા છીએ, 7 તારીખે અમારું ઈમિગ્રેશન થઈ ચૂક્યું છે. પરંતુ અમારી પાસે ફોન નથી એટલે અમે કોઈનો કોન્ટેક્ટ નથી કરી શકતા, તો અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે દરેક રાજ્યમાંથી અહીંયા લોકો ફસાયેલા છે. જો તમને આ વીડિયો મળે તો અમને અહીંથી કાઢવાનો પ્રયાસ કરો’













