
ઈરાન-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુધ્ધ સંભવત: મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગની મુશ્કેલી વધારો કરતી પરિસ્થિતિ ઉદ્ભવી છે. આ યુદ્ધ શરૂ થયું ત્યાર પહેલા મોરબીના સિરામિક કારખાનામાં માલનું ઉત્પાદન કરવા માટે જે ભાવથી નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ મળી રહ્યો હતો તેમાં બમણો વધારો થઈ ગયો છે.

જેથી કરીને ઉદ્યોગકારોને આ સ્થિતિમાં કારખાના ચાલુ કેવી રીતે કરવા તે સૌથી મોટો પ્રશ્ર્ન ઊભો થઈ રહ્યો છે આટલું નહીં પરંતુ ગેસના ભાવ સ્થિર ન હોવાના કારણે તૈયાર માલની પડતર શું આવશે અને નવો માલ કયા ભાવમાં બજારમાં વેચવો અને નવા મલમાં ભાવ વધારો કરવામાં આવે તો ગ્રાહકો સ્વીકારશે કે કેમ તે સહિતના અનેક પડકારો હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોની સામે ઊભા થઈ ગયા છે.

મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે બંધ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને થોડા સમય પહેલા મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે મિટિંગ કરવામાં આવી હતી અને તેમાં 500 જેટલા સીરામીકના કારખાનેદારો હાજર રહ્યા હતા અને ગેસ ન મળતો હોવાના લીધે તેમજ ગેસના ભાવ નિશ્ચિત ન હોવાના કારણે સિરામિક કારખાનાઓને આગામી 15 એપ્રિલ સુધી બંધ રાખવા માટેનો મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા સામૂહિક રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

જો કે, આજની તારીખે પણ ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે જેથી કરીને ગેસનો જથ્થો સતત મળશે તેવું હાલમાં દેખાતું નથી અને જો ગેસનો જથ્થો મળે તો પણ તેના ભાવ ઉદયોગકારોની કમર તોડી નાખે આવે છે જેથી કરીને કારખાનામાં સિરામિક પ્રોડ્કટનું ઉત્પાદન શરૂ કરવા માટે કિલનને સેલ્ફ કેવી રીતે મારવો તે ઉદ્યોગકારોને પણ સમજાતું નથી.

મોરબીની આસપાસમાં સિરામિકના નાના મોટા 650 જેટલા સીરામીકના કારખાનાઓ આવેલ છે અને તેમાં ગેસ મળતો હોય છે ત્યારે 24 કલાક સિરામિક ટાઇલ્સનું પ્રોડક્શન કરવામાં આવતું હોય છે જો ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું તેના એક પખવાડિયા પછી એટ્લે કે અંદાજે તા 10 થી 15 માર્ચની વચ્ચે ગેસના અભાવે એક કે બે નહીં પરંતુ 90 ટકા જેટલા કારખાના બંધ થઈ ગયા હતા.

અને હાલમાં ઊંચા ભાવનો નેચરલ ગેસ લઈને મોરબીમાં આંગળીના ટેરવે ગણી શકાય તેટલા કારખાનામાં પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જો કે, ગેસની સપ્લાઈ નિયમિત અને ભાવ નીચા ન આવે ત્યાં સુધી મોટાભાગના ઉદ્યોગકારોએ તેના સિરામિક કારખાનાઓને બંધ રાખવા સિવાય હાલમાં બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.

સિરામિક કારખાનામાં માલના ઉત્પાદન માટે ઇંધણ તરીકે નેચરલ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે આ બંને હાલમાં યુધ્ધ પહેલા હતી તેવી અવેલેબિટી નિશ્ર્ચિત નથી અને તેના ભાવ પણ નિશ્ચિત નથી જેથી સિરામિક કારખાના ટપોટપ બંધ થઈ ગયા છે.

ઉદ્યોગકારોએ સામૂહિક રીતે એક મહિના સુધી મોરબીના સિરામિક યુનિટને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તેવામાં વહેલી તકે કારખાના ચાલુ થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે, ગેસના ભાવમાં લાકડા જેવો વધારો કરવાં આવે તેવી શક્યતા છે જેથી કરીને સિરામિક યુનિટ ઊંચા ભાવનો ગેસ લઈને કેવી રીતે ચાલુ કરવા તે સૌથી મોટો સવાલ છે.

ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત પ્રમાણે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે પહેલા નેચરલ કેસ અને પ્રોપેન ગેસ જે ભાવેથી હતા તે ભાવ અને અત્યારના ભાવમાં જમીન આસમાનનો તફાવત છે અને હજુ આગામી સમયમાં ગેસના ભાવ વધે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી ત્યારે સિરામિક કારખાનાની અંદર સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવું હાલમાં શક્ય દેખાતું નથી. કારણ કે ઊંચા ભાવનો ગેસ લઈને જો ઉત્પાદન કરવામાં આવે તો માર્કેટમાં સિરામિક ટાઇલ્સ ઉપર વધારો હાલમાં મળી શકે તેવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી.

ઉલ્લેખનીય છે કે, યુદ્ધ શરૂ થયું ત્યાર પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસ 47 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવથી ગેસ મળતો હતો અને તેમાં ટેક્સ સહિત કુલ મળીને 53 રૂપિયાનો ભાવ થતો હતો જોકે, હાલમાં નેચરલ ગેસ આપવાની કંપનીના દ્વારા વાત કરવામાં આવે છે પરંતુ જો અહીંના ઉદ્યોગકારો દ્વારા તેઓની ડિમાન્ડ નક્કી કરીને આપવામાં આવે તો ગેસનો જથ્થો પૂરો પાડવાનું કહે છે પરંતુ નેચરલ ગેસનો નવો ભાવ અંદાજે 88 થી 90 રૂપિયા પ્રતિ કયુબિક મીટરનો હશે અને તેના ઉપર ટેક્સ લાગે એટલે 102 રૂપિયાથી વધુનો નવો ભાવ થાય છે.

આવી જ રીતે પ્રોપેન ગેસની વાત કરીએ તો યુદ્ધ પહેલ 57 રૂપિયા ભાવથી પ્રોપેન ગેસ મળતો હતો જેનો હાલનો ભાવ 125 થી 130 રૂપિયા થઈ ગયો છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રીમિયમમાં પ્રોપેન ગેસનો માલ વેચાઈ રહ્યો છે જો કે, તેનો ભાવ અંદાજે 140 થી 160 રૂપિયા થાય તેમ જેથી ઊંચા ભાવનો ગેસ લઈને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે અને જો સિરામિકના તૈયાર માલ ઉપર ભાવ વધારો ન મળે તો સિરામિક ઉદ્યોગકારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થાય તેવી શક્યતા છે જેથી ગેસના ભાવ નીચા ન આવે ત્યાં સુધી સિરામિક કારખાના બંધ રાખવા જ હિતાવહ છે તેવું જણાઈ રહ્યું છે.





