
નેપાળમાં રાજકીય સ્થિતિ ખરાબ થઈ રહી છે. નેપાળની સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેની વિરુદ્ધમાં હજારોની સંખ્યામાં યુવાઓ રસ્તા પર ઉતર્યા હતા. સોમવારે શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શન બાદ હિંસા ફાટી નીકળી છે. અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. નેપાળમાં અચાનક ઉભી થયેલી પરિસ્થિતિમાં ઘણા ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા છે.

નેપાળમાં ફસાયા ગુજરાતીઓ
નેપાળમાં યુવાનોના અચાનક શરૂ થયેલા વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિ વસણી છે. નેપાળના ઘણા જિલ્લામાં હિંસા જોવા મળી રહી છે. આ વચ્ચે કાઠમંડુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ઠપ્પ થઈ ગઈ છે. નેપાળની રાજધાની કાઠમંડુમાં ઘણા ભારતીયો ફસાયા છે. તેમાં 18 ગુજરાતીઓ પણ સામેલ છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે X પર પોસ્ટ કરી નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓની યાદી પણ જાહેર કરી છે.

શક્તિસિંહ ગોહિલે કરી પોસ્ટ
રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે- નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર ઉડાનો ઠપ્પ છે, આપણા ઘણા ભારતીય ત્યાં ફસાયા છે. ગુજરાતના કેનન પટેલે ફોન કરી જણાવ્યું કે તેની સાથે 18 ગુજરાતી લોકોનું ગ્રુપ ફસાયું છે. શક્તિસિંહે PMO અને વિદેશમંત્રીને વિનંતી કરી કે આ નાગરિકોને ભારત આવવા માટે વ્યવસ્થા કરે.

નેપાળમાં હિંસક પ્રદર્શન
નેપાળ સરકારે 4 સપ્ટેમ્બરે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત કુલ 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેની વિરુદ્ધમાં Gen-Z એ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. સોમવારે શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શન બાદ અનેક જગ્યાએ હિંસા જોવા મળી હતી. આ હિંસામાં 20 જેટલા લોકોના પણ મોત થયા હતા. પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન સહિત અનેક નેતાઓના ઘરમાં આગ લગાવી હતી. નેપાળમાં અચાનક શરૂ થયેલી હિંસા વચ્ચે ત્યાં ઘણા ભારતીયો પણ ફસાયા છે.


















