માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી ટોલ પોલિસીની જાહેરાત કરી છે. નવી ટોલ પોલિસીમાં ટોલ કલેક્શનને સેટેલાઈટ સાથે જોડવામાં આવશે. જો ફાસ્ટેગ કામ નહીં કરે તો ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા તમારી નંબર પ્લેટ વાંચશે અને સીધા એકાઉન્ટમાંથી જ ટોલ ટેક્સના રૂપિયા કપાઈ જશે.

New FASTag Rules: દેશમાં ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી લાગુ થવા જઈ રહી છે. નવી ટોલ પોલિસીમાં તમારે ફાસ્ટેગની ચિંતા કરવાની પણ જરૂર નહીં પડે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોલ કલેક્શનને સેટેલાઈટ સાથે જોડવામાં આવશે. જો ફાસ્ટેગ કામ નહીં કરે તો ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા તમારી નંબર પ્લેટ વાંચશે અને સીધા એકાઉન્ટમાંથી જ ટોલ ટેક્સના રૂપિયા કપાઈ જશે. એટલું જ નહીં હાઈવે પર જેટલી ગાડી ચાલશે, માત્ર એટલાનો તમારી પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જે નવી ટોલ પોલિસીની જાહેરાત કરી છે, તેમાં બીજી પણ ઘણી સુવિધાઓ છે. જેના વિશે અમે આપને જણાવીશું.

આ પોલિસી હેઠળ મુસાફરો હવે ઓછા ખર્ચે નેશનલ હાઈવે પર મુસાફરી કરી શકશે, સાથે જ ટોલ પ્લાઝા પર લાગતી ભીડથી પણ રાહત મળશે. આમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે, જેમાં વાર્ષિક અને લાઈફટાઈમ પાસ, કિલોમીટરના આધારે ટોલ અને કોઈ અડચણ વગર ટોલ વસૂલી જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. આ નીતિ ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેઓ રોજિંદા અથવા અવાર-નવાર નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે.

હાલમાં એક ટોલ પ્લાઝાના માસિક પાસની કિંમત લગભગ 340 રૂપિયા છે, એટલે વર્ષના 4,080 રૂપિયા. જ્યારે નવી પોલિસી હેઠળ માત્ર 3,000 રૂપિયામાં આખા વર્ષ દરમિયાન કોઈપણ નેશનલ હાઈવે પર અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. આ ફેરફારથી ખાસ કરીને પ્રાઈવેટ ગાડીઓના માલિકોને સૌથી વધુ ફાયદો થશે, કારણ કે તેઓ ટોલ ટ્રાફિકનો 60% હિસ્સો છે, જ્યારે કુલ ટોલ આવકમાં તેમનું યોગદાન માત્ર 21% છે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, મે 2025થી આખા દેશમાં સેટેલાઈટ આધારિત ટોલિંગ લાગુ કરવામાં નહીં આવે. તેના બદલે, કેટલાક ચોક્કસ હાઈવે પર ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) ટેકનોલોજી અને FASTagના સંયોજનથી ‘બેરિયર-ફ્રી ટોલ સિસ્ટમ’ લાગુ કરવામાં આવશે. આમાં ટોલ પ્લાઝા પર ઉભા રહેવું નહીં પડે, કેમેરા વાહનની નંબર પ્લેટ સ્કેન કરશે અને ટોલ ટેક્સ આપોઆપ કપાઈ જશે. આ સિસ્ટમ બેંગલુરુ-મૈસૂર અને પાનીપત-હિસાર જેવા માર્ગો પર પાયલટ પ્રોજેક્ટ તરીકે પહેલેથી જ સફળતાપૂર્વક ચલાવવામાં આવી ચૂકી છે.

આ સાથે જ એક અન્ય મોટો ફેરફાર એ છે કે ખાનગી વાહનો માટે રોજનું 20 કિલોમીટર સુધીનું અંતર ટોલ-ફ્રી રાખવામાં આવ્યું છે. એટલે કે જો કોઈ વ્યક્તિ રોજ 20 કિલોમીટર કે તેનાથી ઓછી મુસાફરી કરે છે, તો તેમને ટોલ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ નીતિનો ઉદ્દેશ ટૂંકા અંતરની મુસાફરી કરતા લોકો, ખાસ કરીને હાઈવે નજીક રહેતા લોકોને રાહત આપવાનો છે.

2008ના નિયમને પણ કડકતાથી લાગુ કરશે
નવી નીતિ હેઠળ સરકાર 2008ના તે નિયમને પણ કડકતાથી લાગુ કરવા જઈ રહી છે, જે મુજબ બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું 60 કિમીનું અંતર હોવું જોઈએ. અત્યાર સુધી આ નિયમની અવગણના થતી હતી, જેના કારણે મુસાફરોને થોડા અંતરે ટોલ ટેક્સ ચૂકવવો પડતો હતો. આ ઉપરાંત સરકારે એમ પણ જણાવ્યું છે કે ટોલ ટેક્સને લગતી લોકોની ફરિયાદોને તાત્કાલિક ઉકેલવા માટે નવી ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. આમાં ટોલ ટેક્સને લગતી તમામ ફરિયાદોને ઝડપથી ઉકેલવામાં આવશે. આ સાથે ‘એક વાહન, એક FASTag’ નીતિને કારણે હવે દરેક વાહન માટે માત્ર એક જ માન્ય FASTag રહેશે, જેનાથી ગેરરીતિઓ પર લગામ લાગશે.

ભારતમાં ટોલ કલેક્શન સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024માં ટોલ ટેક્સથી 64,810 કરોડ રૂપિયાની આવક થઈ, જે ગયા વર્ષના 48,028 કરોડ રૂપિયાથી 35% વધુ છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન આ મામલે સૌથી આગળ છે. આ આવક ભારતમાલા પરિયોજના જેવી રાષ્ટ્રીય યોજનાઓમાં લગાવવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી 18,700 કિમી રસ્તાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. નીતિન ગડકરીનો દાવો છે કે આગામી બે વર્ષમાં ટોલથી થનારી આવક ₹1.40 લાખ કરોડ સુધી પહોંચી શકે છે, જેનાથી લગભગ ₹5 લાખ કરોડની નવી પરિયોજનાઓને ગતિ મળશે.





















