HomeAllનિકાસકારોને સરકારનો મોટો ઝટકો : RODTEP લાભમાં 50 ટકાનો કાપ

નિકાસકારોને સરકારનો મોટો ઝટકો : RODTEP લાભમાં 50 ટકાનો કાપ

કેન્દ્ર સરકારે ત્રણેક દિવસ અગાઉ નિકાસકારો માટે સાત જેટલા પ્રોત્સાહક પગલાનું એલાન કર્યું હતું. પરંતુ હવે તેના બે જ દિવસમાં મસમોટો ઝટકો માર્યો છે અને આરઓડીટીઇપી તરીકે ઓળખાતી નાણાંકીય પ્રોત્સાહન યોજનામાં અપાતા લાભમાં 50 ટકાનો ધરખમ ઘટાડો કરી નાખ્યો છે.

આ પગલાથી ભારતની નિકાસ મોંઘી થવા ઉપરાંત વિદેશી બજારોમાં સ્પર્ધામાં ટકી રહેવાનું પણ મુશ્કેલ બનશે. રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં આ પગલાથી નિકાસકારોમાં જબરો ઉહાપોહ સર્જાયો છે.

અમેરિકાના ટેરીફ વોરના કારણે છેલ્લા 6-8 મહિનાથી ભારતની નિકાસ પ્રભાવિત થઇ જ હતી અને મોટો ફટકો પડ્યો હતો ત્યારે સરકાર તરફથી પ્રોત્સાહન માટે માંગ ઉઠી હતી. સરકારે પણ તાજેતરમાં કેટલાક પ્રોત્સાહક એલાન કર્યા હતાં પરંતુ હવે નવા આકરા કદમથી તમામ પ્રોત્સાહનનું સુરસુરીયું થઇ જાય અને નિકાસકારોને મોટો ફટકો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

રેમીશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેકસીઝ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ (રોડમેપ) તરીકે ઓળખાતી આ યોજના હેઠળ સરકાર દ્વારા નિકાસી પ્રોડક્ટમાં વિદેશી ડ્યુટી, ચાર્જ વગેરે સામે નિકાસકારોને વળતર સહાય ચુકવવામાં આવતી હતી.

પ્રોડક્ટ દીઠ જુદી-જુદી સહાય હતી છતાં સરેરાશ 0.8 ટકાની હતી અર્થાત કોઇ નિકાસકાર 100 કરોડની નિકાસ કરે તો તેને 80 લાખના પ્રોત્સાહન નાણાંકીય લાભ આપવામાં આવતા હતા પરંતુ હવે ડીરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા એક જ ઝાટકે તેમાં 50 ટકાનો કાપ મુકતો પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે અને તાત્કાલીક અસરથી તેનો અમલ શરુ કરી દેવાનું જાહેર કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના આ પગલાથી દેશભરના નિકાસકારોમાં જબરો ઉહાપોહ સર્જાવાના એંધાણ છે. રાજકોટ-સૌરાષ્ટ્રને લાગે વળગે છે ત્યાં સુધી સીંગતેલ સહિતની કૃષિ કોમોડીટી ઉપરાંત એન્જીનીયરીંગ મશીન ટુલ્સ, સીરામીક સહિતની નિકાસમાં મોટો ફટકો પડી શકે છે.

આ યોજના હેઠળ કિંમત મર્યાદા લાગુ પડે છે ત્યાં પણ નાણાંકીય પ્રોત્સાહન ઘટાડીને 50 ટકા કરી નાખવામાં આવ્યું છે. આ પગલાથી નિકાસ પર મળતી ટેક્સ રીફંડ-લાભની રકમ ઘટી જશે અને નિકાસકારોને નફાથી માંડીને અનેક રીતે ફટકો પડી શકે છે.

સુત્રોએ કહ્યું કે સીંગદાણાની નિકાસ પર 0.9 ટકાનું પ્રોત્સાહન સરકાર તરફથી મળતું હતું તે હવે માત્ર 0.45 ટકા જ મળશે. આ રીતે સીંગતેલમાં 0.60 ટકા મળતા હતા તે હવે 0.30 ટકા જ મળશે. તેલીબીયા, ખાદ્યતેલ, ખોળ, કપાસીયા, કપાસ, જીરુ, મસાલા સહિતની નિકાસને અસર પડી શકે છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે 2021 સુધી મર્ચન્ડાઇઝ એક્સપોર્ટસ ફોરમ ઇન્ડિયા ટીમ ચાલુ હતી પરંતુ ડબલ્યુટીઓમાં વિરોધ થતાં આ રોડમેપ યોજના દાખલ કરવામાં આવી હતી અને તેમાં નાણાંકીય પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યું હતું હવે તેમાં પણ અર્ધોઅડધ કાપ મુકી દેવામાં આવતા નિકાસકારોને અસર થશે. અગાઉ નિકાસ થઇ ગઇ હોય તેમાં શું સ્થિતિ સર્જાશે તે પણ એક સવાલ છે.

જાણકારોએ એમ પણ જણાવ્યું હતું કે, ગત નાણાંકીય વર્ષમાં કેન્દ્રીય બજેટમાં આ યોજના માટે 18700 કરોડની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ તાજેતરના નવા બજેટમાં તે ઘટાડીને 10 હજાર કરોડ કરી દેવામાં આવી હતી. સરકારે જ બજેટ ફાળવણી ઘટાડીને આ કાપ મુક્યો છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!