નખત્રાણા જનઔષધિ કેન્દ્રને રાજ્યસ્તરે સન્માન : ડૉ. પ્રિન્સી સોની કટ્ટાનું વિશ્વ મહિલા દિવસે સન્માન કરાયુ

નખત્રાણા : મોંઘી બનેલી મેડિકલ દવાઓના સમયમાં સામાન્ય લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ જનઔષધિ યોજના હેઠળ કાર્યરત નખત્રાણા જનઔષધિ કેન્દ્રએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રની સંચાલિકા ડૉ. પ્રિન્સી નિતિશભાઈ સોની કટ્ટાને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશ્વ મહિલા દિવસના અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, લોકહિતાર્થે કાર્યરત શ્રી ગુરુ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નખત્રાણા જનઔષધિ કેન્દ્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સતત ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે ભારતીય જનઔષધી પરિયોજનાના અંતર્ગત આ કેન્દ્ર સતત સાતમા વર્ષે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે. એટલું જ નહીં, ગુજરાત રાજ્યમાં કાર્યરત કુલ 812 જનઔષધિ સ્ટોર્સમાંથી સતત છઠ્ઠી વખત ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.

જનઔષધિ દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સાંસદ દિનેશભાઈ મકવાણાના હસ્તે કેન્દ્ર સંચાલિકા ડૉ. પ્રિન્સી નિતિશભાઈ સોની કટ્ટાને ‘જનઔષધિ સર્વશ્રેષ્ઠ સર્ટિફિકેટ’ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિશ્વ મહિલા દિવસના દિવસે નખત્રાણા વિસ્તારની શ્રી મારૂ કંસારા સોની સમાજની દિકરીને મળેલા આ સન્માનથી સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના વાઇસ ચેરમેન અનિલભાઈ, સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર ચેતનભાઈ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ઓફિસર અશોકભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જનઔષધિ સ્ટોરના સંચાલકો અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

error: Content is protected !!