
આજથી ભારત દેશમાં લેબર એક્ટમાં મોટા ફેરબદલ લાગુ કરવામાં આવ્યા છે. હવેથી દેશમાં 29ના બદલે 4 જ લેબર કોડ રહેશે. જેમાં શ્રમિકો, ગિગ વર્કર્સ, પ્રવાસી શ્રમિકો, મહિલાઓ સહિતના નોકરિયાતો તથા શ્રમિકોને વેતન, સામાજિક સુરક્ષા તથા સ્વાસ્થ્ય સુરક્ષાની ગેરંટી મળશે. નવા કાયદામાં ગ્રેચ્યુઈટી અંગે મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. હવેથી માત્ર એક વર્ષની નોકરી પર પણ ગ્રેચ્યુઈટીનો લાભ મળશે.
નોંધનીય છે કે અત્યાર સુધી કોઈ પણ કર્મચારી એક કંપનીમાં 5 વર્ષની નોકરી કરે તો તેને ગ્રેચ્યુઈટીનો લાભ મળતો હતો. જોકે હવે સરકારે આ કાયદામાં ફેરબદલ કર્યો છે. માત્ર એક વર્ષ કામ કરવા પર પણ ગ્રેચ્યુઈટીનો ફાયદો મેળવી શકાશે.

ગ્રેચ્યુઈટી એટલે શું?
કોઈ પણ કર્મચારી કંપનીમાં એક નિયત સમય સુધી કામ કરે તે પછી કંપની તરફથી ગ્રેચ્યુઈટી આપવામાં આવે છે. ગ્રેચ્યુઈટી કર્મચારીઓને આર્થિક રૂપે એક મોટો સહારો બને છે. કંપની છોડીને જવા પર અથવા નિવૃત્ત થતાં સમયે ગ્રેચ્યુઈટીની રકમ એકસાથે આપવામાં આવે છે. દેશની તમામ ફેક્ટરી, ખાણ, ઓઈલ ફિલ્ડ, બંદર, રેલવે પર ‘પેમેન્ટ એન્ડ ગ્રેચ્યુઈટી’ એક્ટ લાગુ પડે છે. અત્યાર સુધી 5 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ગ્રેચ્યુઈટીનો લાભ મળતો હતો. લોકોને આશા હતી કે સરકાર આ સમયગાળો ઘટાડીને 3 વર્ષ કરશે પણ સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપતા લઘુતમ સમય 1 વર્ષ કર્યો છે.

ગ્રેચ્યુઈટીની ગણતરી કેવી રીતે થાય?

ગ્રેચ્યુઈટીની ગણના એક ફોર્મ્યુલાના આધારે થાય છે: અંતિમ સેલેરી x (15/26) x ( કંપનીમાં જેટલા વર્ષ કામ કર્યું તે )





