
UPI દ્વારા દરેકનું કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. UPI જ્યારથી આવ્યું છે ત્યારથી ખિસ્સામાં પૈસા રાખવાની ઝંઝટથી છૂટકારો મળી ગયો છે. તેમ જ છૂટા પૈસા ન હોય ત્યારે દુકાનદાર એની જગ્યાએ ચોકલેટ આપી દેતો હતો એ દિવસ હવે ગયા. આજે હવે ખિસામાંથી ફોન કાઢ્યો કે કોડ સ્કેન કરતાં જ પેમેન્ટ થઈ જશે.

એના બદલામાં યૂઝર્સને અમિતાભ બચ્ચન તરફથી આભાર પણ મળે છે. જોકે ઘણી વાર એવું પણ થાય છે કે પેમેન્ટ અટકી જાય છે. પેમેન્ટ પેન્ડિંગ આવે છે. પેમેન્ટ થયું કે નથી થયું એની ખબર નથી પડતી. યૂઝરના ખાતામાંથી પૈસા તો કપાઈ જાય છે, પરંતુ સામેની વ્યક્તિના ખાતાં પૈસા જમા નથી થતાં. જોકે આ પૈસા રિફંડ તો મળી જાય છે, પરંતુ ટાઈમ લાગે છે.

જોકે હવે એવું નહીં થાય કારણ કે UPI પર નજર રાખનારી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા એક નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. એને UPI ચાર્જબેક અથવા તો ગુડ ફેઇથ નેગેટિવ ચાર્જબેક કહી શકાય છે. આ નિયમની મદદથી યૂઝર્સની મોટાભાગની તકલીફ દૂર થઈ જશે.

યૂઝરે પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય અને ખાતામાંથી કપાઈ ગયા હોય અને સામેની વ્યક્તિમાં એ જમા ન થયા હોય તો એ માટે યૂઝર કસ્ટમર કેરથી લઈને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા સુધી કોઈની પણ પાસે મદદ માગી શકે છે. યૂઝરને મદદ કરવામાં પણ આવે છે અને પૈસા મળી પણ જાય છે, પરંતુ એ પ્રોસેસમાં ટાઈમ લાગે છે.

NPCI જ્યારે બેન્ક સાથે વાતચીત કરે છે ત્યાર બાદ બેન્ક કામ શરૂ કરે છે. આ પ્રોસેસને હવે વધુ સરળ કરી નાખવામાં આવી છે. આ પ્રોસેસથી બેન્ક હવે પોતે જ UPI રિફંડની પ્રોસેસ શરૂ કરી શકે છે. આ માટે NPCI ની મંજૂરી લેવાની જરૂર નથી. પૈસા રિફંડ કરવાની પ્રોસેસ જૂની રીત પ્રમાણે UPI રેફરન્સ કોમ્પ્લેઈન્ટ સિસ્ટમ પાસેથી જઈને બેન્ક પાસે પહોંચે છે.

જોકે આ સિસ્ટમની મદદથી હવે NPCI ની મંજૂરી લેવાની જરૂરી ન હોવાથી બેન્ક પોતે કામ શરૂ કરે છે અને એથી જ સમય ઓછો થઈ જાય છે. બેન્કને જ્યારે લાગે છે કે મોબાઇલનું નેટવર્ક ખરાબ હતું અથવા તો બેન્કનું સર્વર ડાઉન હતું કે અન્ય કોઈ કારણસર પૈસા ટ્રાન્સફર નથી થયા તો બેન્ક એ માટે પોતે જ પ્રોસેસ શરૂ કરી દેશે. એથી પૈસા રિફંડ થવાનો સમય બહુ ઓછો થઈ જશે.

NPCI દ્વારા આ અપડેટ વિશે 20 જૂને જાહેરાત કરી હતી. જોકે હવે એને હવે લાગૂ પણ કરી દીધું છે. NPCI દ્વારા એને રિમિટિંગ બેન્ક રેઇઝિંગ ગુડ ફેઇથ નેગેટિવ ચાર્જબેક નામ આપવામાં આવ્યું છે. એનો મતલબ સાફ શબ્દોમાં એ થાય છે કે યૂઝર પર ભરોશે છે કે તેમણે કોઈ ગરબડ નથી કરી અને અન્ય કારણસર ખામી આવી હોવાથી તેઓ આ ભૂલને સુધારી રહ્યા છે.






















