
મોરબી જિલ્લામાં ગઇકાલે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસાથી વાતાવરણમાં પલટો સાથે જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બપોરના ચારેક વાગ્યાથી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં જિલ્લામાં આવેલ નવલખી બંદર ઉપર પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્યો હતો ખાસ કરીને દરિયા કાંઠે આવેલા મીઠાના અગરોમાં કમોસમી વરસાદ પડવાના કારણે અગરિયાઓએ મહામહેનતે પકાવેલ મીઠાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી દરમિયાન ટંકારા, હળવદ, મોરબી સહિતના જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ વહેલી સવારે પડ્યો હતો. ત્યારબાદ સવારે તડકો નીકળ્યો હતો જો કે બપોરના ચારેક વાગ્યાના અરસામાં ફરી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં ચોમાસાની જેમ કાળા ડિબાગ વાદળો જોવા મળતા હતા તેની સાથોસાથ ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થયો હતો.

માળિયા તાલુકામાં આવેલ નવલખીન દરિયામાં પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્યો હતો તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં જે વર્ષમેડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મીઠાના અગરો આવેલા છે અને મીઠાના અગરની અંદર અગરિયાઓ દ્વારા મહામહેનતે મીઠાનો પાક તૈયાર કરવામાં આવ્યો હતો જો કે, ઉનાળામાં વરસાદ આવશે તેવી મીઠાના અગરીયાઓ કે ઉદ્યોગકારોને કલ્પના પણ ન હોય પરંતુ હાલમાં કમોસમી વરસાદ પડવાના કારણે મીઠાના અગરમાં તથા મીઠાના પાકમાં નુકસાની થયેલ છે.

આ ઉપરાંત ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતો હોવાના કારણે જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં હાઇવે રોડ ઉપર આવેલા હોર્ડિંગ બોર્ડ પણ તૂટી પડ્યા હતા અને કેટલાક તોતિંગ વૃક્ષો પણ જમીનદોસ્ત થયા હતા આ ઉપરાંત ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને પોતાના ખેતરમાં ઘઉં સહિતના પાક લીધા છે અને પાકને લણવામાં આવે ત્યારે પહેલા કેટલીક જગ્યાએ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો પાકનો કોળિયો છીનવાઈ જાય તેવો ઘાટ હાલમાં સર્જાયો છે.

કારખાનેદારોને મોટું નુકસાન મોરબીમાં ભારે પવનથી તોતિંગ વૃક્ષો અને હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યા હતા આટલું જ નહીં પરંતુ મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક કારખાનાઓ અને અન્ય કારખાનાઓના શેડ ઉપરથી પતરા ઉડી જતાં મોટા પ્રમાણમાં નુકસાની છે જોકે સદનસીબે હાલમાં ગેસના અભાવે સિરામિકના કારખાના બંધ છે જેના કારણે કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થયેલ નથી.

મોરબીમાં એક બાજુ ગેસ ન મળતો હોવાના કારણે સીરામીક કારખાનેદારો દ્વારા બે દિવસ પહેલા મીટીંગ કરીને સામુહિક રીતે પોતાના સીરામીક કારખાનાઓને એક મહિનો સુધી બંધ રાખીને મેન્ટેનન્સ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું બીજી બાજુ ગુરુવારે બપોરે ચારેક વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અંદાજે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

જેથી કરીને હાઈવે રોડ સહિતની જુદી જુદી જગ્યા ઉપર આવેલા હોર્ડિંગ બોર્ડ અને વૃક્ષો તૂટી પડ્યા હતા આ ઉપરાંત જો સીરામીક ઉદ્યોગની વાત કરીએ તો મોરબીના જાંબુડીયા રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, લગધીરપુર રોડ, હળવદ રોડ, પીપળી રોડ તથા માળીયા રોડ ઉપર સીરામીકના કારખાનાઓના મોટા મોટા સેડ હોય છે અને આ સેડમાંથી ભારે પવનના કારણે અનેક જગ્યાએ પતરા ઉડી ગયા છે જેથી કરીને કારખાનેદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે જોકે હાલમાં કારખાનામાં શ્રમિકો કામ કરતા ન હતા જેથી કરીને કોઈ જગ્યાએ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી જોકે માત્ર સિરામિક કારખાના નહીં પરંતુ અન્ય કારખાનાઓમાં પણ અનેક જગ્યાએ સેડના પતરા તૂટી જવાના કારણે કારખાનેદારોને નુકસાન થયું છે.















