
આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, ત્યારે નવરાત્રિમાં ગરબાને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બીજી બાજુ નવરાત્રિને લઈ DGP વિકાસની વિડિઓ કોન્ફરન્સ કરી તમામ જિલ્લા પોલીસ વડા, કમિશનર અને રેન્જ igને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. જેમાં નવરાત્રિના આયોજન અને પોલીસ બંદોબસ્ત માટે જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને, રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે સુરક્ષા અને બંદોબસ્તની સમીક્ષા માટે તમામ જિલ્લા પોલીસ વડાઓ, પોલીસ કમિશનરો અને રેન્જ IG સાથે એક મહત્વની વિડીયો કોન્ફરન્સ યોજી. આ બેઠકનો મુખ્ય હેતુ નવરાત્રિના આયોજન, કડક પોલીસ બંદોબસ્ત અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

DGPએ આ બેઠકમાં કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી:
નાઈટ પેટ્રોલિંગ વધારવું:
નવરાત્રિ દરમિયાન રાત્રિના સમયે ગરબાના સ્થળો અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની સૂચના આપવામાં આવી.
‘શી ટીમ’ની સક્રિયતા:
મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત ‘શી ટીમ’ને વધુ સક્રિય અને સતર્ક રહેવા માટે ભાર મૂકવામાં આવ્યો.

સલામત નવરાત્રિ ડ્રાઇવ:
નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ‘સલામત નવરાત્રિ ડ્રાઇવ’ ચલાવવામાં આવશે.

ગ્રામ્ય પોલીસની તૈયારીઓ પર પ્રેસ કોન્ફરન્સ
આ ઉપરાંત, ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) ઓમ પ્રકાશ જાટે પણ નવરાત્રિની તૈયારીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય પોલીસ દ્વારા નવરાત્રિ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તહેવાર દરમિયાન પોલીસ ખડેપગે રહેશે.

કર્મચારીઓનો બંદોબસ્ત:
ગ્રામ્ય વિસ્તારમાં 792 સ્થળોએ ગરબાનું આયોજન છે. જેમાં 21 જાહેર કોમર્શિયલ ગરબા, 32 જાહેર પબ્લિક નવરાત્રી અને બાકીના ગ્રામ્ય ગરબાનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ સુરક્ષા જાળવવા માટે પોલીસ અને હોમ ગાર્ડ સહિત કુલ 1,700 કર્મચારીઓ તૈનાત રહેશે.

અધિકારીઓની દેખરેખ:
સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે 4 DySP, 20 PI અને 31 PSI ફરજ પર રહેશે.
મહિલા સુરક્ષા પર ભાર:
મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા, ગરબાના સ્થળોએ ‘શી ટીમ’ અને હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવશે. લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે પોલીસ અધિકારીઓના નંબર સાથેના બેનરો પણ લગાવવામાં આવશે.

પેટ્રોલિંગ અને સાયબર સુરક્ષા:
112 પોલીસ વાન અને જિલ્લાની તમામ પોલીસ કાર સતત પેટ્રોલિંગમાં રહેશે. અંધારાવાળા વિસ્તારો (બ્લેક સ્પોટ) અને વધુ ટ્રાફિકવાળા સ્થળો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. સાયબર ટીમ પણ સોશિયલ મીડિયા પર ધાર્મિક ટીકા-ટિપ્પણીઓ પર નજર રાખશે.

આપાતકાલીન પરિસ્થિતિ માટે મોક ડ્રિલ
આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આયોજિત 70 જેટલા મોટા ગરબાના આયોજકો અને સિક્યોરિટી કંપનીઓ સાથે મળીને પોલીસ, મેડિકલ અને ફાયર વિભાગની ટીમો મોક ડ્રિલ કરશે. આ મોક ડ્રિલનો હેતુ આકસ્મિક પરિસ્થિતિઓ જેવી કે પાવર કટ, આગ, મેડિકલ ઇમર્જન્સી અથવા ભીડમાં કોઈ પડી જાય તેવી પરિસ્થિતિમાં શું કરવું તેની તાલીમ આપવાનો છે.

તાલીમના વિષયો
તાલીમમાં CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) જેવી મેડિકલ તાલીમ, રસ્તો ખુલ્લો રાખવાની તાલીમ અને પાવર કટ થાય તો રેડિયમ ડાયરેક્શનની વ્યવસ્થા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. SPએ અંતમાં ખાતરી આપી કે ગ્રામ્ય પોલીસ નવરાત્રિને સુરક્ષિત બનાવવા માટે કટિબદ્ધ છે અને લોકો નિર્ભય થઈને આ તહેવારની ઉજવણી કરી શકે છે.










