
નવરાત્રિના પ્રથમ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાતી કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (G-કેટેગરી)’ નો પ્રારંભ કરાવ્યો છે. આ યોજના હેઠળ કર્મચારી અને તેમના પરિવારજનોને 10 લાખ રૂપિયા સુધીની સારવારનો લાભ મળશે. પ્રથમ નોરતે મુખ્યમંત્રીએ 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરાવી તેનું લોકાર્પણ કર્યું હતું.
સરકારી કર્મચારીઓને મળશે લાભ
હવે સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિત પરિવારજનોને 10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા મળશે. આ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના લોન્ચ કરવામાં આવી છે. NHA પોર્ટલ પર આજથી તેની નોંધણી શરૂ થઈ ગઈ છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.

રાજ્યમાં હાલ અમલી PMJAY-મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઇ લાભ આપવામા આવશે. રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી SHA (STATE HEALTH AGENCY) કરશે.

જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસીજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે.

યોજના હેઠળ બહારનાં દર્દી તરીકે (OPD) સારવારનો સમાવેશ થશે નહી. હાલ આપવામાં આવતું માસીક મેડીકલ એલાઉન્સ (૧૦૦૦/- રૂ.) યથાવત મળવાપાત્ર રહેશે.
રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેમજ હોસ્પિટલ PMJAY માં એમ્પેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે.

અત્રે નોંધનીય છે કે, હાલ PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ ૨,૬૫૮ હોસ્પિટલો (ખાનગી: ૯૦૪, સરકારી:૧૭૫૪) સંકળાયેલ છે.જેમાં ૨,૪૭૧ નિયત કરેલ પ્રોસીજરની સારવાર આવરી લેવામાં આવી છે.

રાજ્યમાં ફરજ બજાવતાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે.

રાજય સરકારના આ નિર્ણયથી અંદાજે ૪.૨૦ લાખ અધિકારી-કર્મચારીઓ અને અંદાજે ૨.૨૦ લાખ પેન્શનર્સ મળી કુલ ૬.૪૦ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા-સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે.

ફીકસ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે. ૭૦+ પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં.











