ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને ઈન્ડીયન ઓલિમ્પિક કમીટીના ચેરમેન પી.ટી.ઉષા સહિતના પ્રતિનિધિ મંડળે સતાવાર દસ્તાવેજ સોંપ્યા
સ્વીટઝરલેન્ડના લુસાવામાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમીટી સમક્ષ બીડ રજુ : આખરી નિર્ણયની ધારણા

2036માં ભારતમાં ઓલીમ્પિક મહોત્સવ યોજવા માટેની સતાવાર રીતે બીડ ભારત સરકારે રજુ કરી દીધી છે અને યજમાન શહેર તરીકે ગુજરાતના સૌથી મોટા મેટ્રો સીટી અમદાવાદને પસંદ કરવામાં આવ્યું છે.

હાલ સ્વીટઝરલેન્ડના લુસાનાની મુલાકાતે રહેલા ગુજરાતના ખેલકુદ મંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ઈન્ડીયન ઓલીમ્પિક એસો. કમીટીના ચેરમેન પી.ટી.ઉષા સહિતના પ્રતિનિધિ મંડળે ગઈકાલે ઈન્ટરનેશનલ ઓલીમ્પિક કમીટીના સભ્યો સાથે સતાવાર રીતે બેઠક કરી હતી.

તેમાં 2036ના ઓલીમ્પિક માટે ભારતની બીડ રજુ કરી દીધી છે. હવે તેના પર આગામી સમયમાં કાર્યવાહી થશે. નવી આંતરરાષ્ટ્રીય ઓલીમ્પિક કમીટી કે જે હવે આ પ્રકારની બીડ માટેના નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે તેના દ્વારા ગુજરાતને રેસમાં મુકાશે.

જો કે હજુ સુધી અન્ય કોઈ દેશોએ ઓલીમ્પિક યોજવા માટે સતાવાર રીતે કોઈ બીડ કરી નથી. પરંતુ આ પ્રક્રિયામાં અન્ય દેશો પણ પ્રવેશી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતને ઓલીમ્પિક અને પેરાઓલીમ્પિક ગેમ માટે સાઉદી અરેબીયા, ઈન્ડોનેશીયા, તુર્કી અને ચીલી સાથે સ્પર્ધા કરવી પડે તેવી શકયતા છે.

આંતરરાષ્ટ્રીય ઓલીમ્પિક કમીટીના નવા ચેરમેન અને પુર્વ ઓલીમ્પિક સ્વીમર ક્રિસ્ટી કોવેન્ટરીએ હાલમાં જ સીલેકશન પ્રક્રિયા સ્થગીત રાખવાની જાહેરાત કરી છે અને તે સમગ્રપણે રીવ્યુ કરાયા બાદ ભારત અને અન્ય દેશોની બીડ પર નિર્ણય લેવાશે.
























