
અમદાવાદમાં જાણીતી ઈ-કોમર્સ એપ્લિકેશન મારફતે છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. એક યુવક અને તેના પરિવારજનોને સસ્તા સોનાના સિક્કાની લાલચ આપીને કુલ રૂપિયા 12.60 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. બજાર કિંમત કરતાં 10 હજાર સસ્તો 5 ગ્રામનો સોનાનો સિક્કો ખરીદવાની લાલચમાં આ લોકોએ મોટી રકમ ગુમાવી છે. જેની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ જૂના વણકરવાસના રહેવાસી 41 વર્ષીય ફિરોઝ રમજાનિભાઈ તાતાવલાએ નોંધાવેલી FIR મુજબ, તે છેલ્લા ચાર વર્ષથી એમેઝોનના પ્રાઇમ મેમ્બર છે.

જોકે, આ વર્ષે માર્ચ મહિનામાં, તેણે એમેઝોન એપ પર “Super Psyllium” કંપની હેઠળ “Vijay Jewellers” નામના સેલર દ્વારા મૂકાયેલી પાંચ-ગ્રામ 24-કેરેટ સોનાના સિક્કાની એક જાહેરાત જોઈ. બજારમાં સિક્કાની કિંમત આશરે 45 હજાર હોવા છતાં, અહીં એક સિક્કો 35 હજારમાં વેચવામાં આવતો હતો.

આ આકર્ષક ઑફરથી લલચાઈને, ફિરોઝે રૂ. 3.5 લાખના 10 સોનાના સિક્કા પોતાની કોટક મહિન્દ્રા બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદ્યા હતા. તેને 24 માર્ચ, 2025ના દિવસે એમેઝોન તરફથી ઇન્વોઇસ પણ મળ્યો હતો, જેમાં બીજા દિવસે ડિલિવરીનું આશ્વાસન અપાયું હતું. જોકે, મહિનાઓ સુધી રાહ જોયા છતાં ન તો સિક્કાની ડિલિવરી મળી અને ન તો પૈસા રિફન્ડ મળ્યા.

જ્યારે ફિરોઝે પોતાનો ઓર્ડર ટ્રેક કર્યો, ત્યારે એપ પર એક ખોટું ડિલિવરી અપડેટ બતાવવામાં આવ્યું હતું, જેમાં દાવો કરાયો હતો કે પાર્સલ તેમના ઓર્ડરની તારીખના એક મહિના પહેલાં એટલે કે 20 ફેબ્રુઆરીએ બેંગલુમાં ડિલિવર થઈ ગયું છે. વારંવાર કસ્ટમર કેરમાં ફરિયાદ કરવા છતાં, એમેઝોન તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

નોંધનીય છે કે, ફિરોઝ તાતાવાલા સહિત તેની પત્ની, પિતા અને મિત્ર અશફાકે પણ આ જ લિસ્ટિંગમાંથી સોનાના સિક્કા ખરીદ્યા હતા અને બધાએ મળીને કુલ 12.6 લાખથી વધુની ચુકવણી કરી હતી. તેમાંથી કોઈને પણ સિક્કા મળ્યા નહોતા અને તમામના ઓર્ડર પણ એપ પર ડિલિવર થયેલા બતાવ્યા હતા.

પોલીસે જણાવ્યું છે કે, તેઓ સેલરની ઓળખ કરવા અને એમેઝોન સાથે સંકલન કરીને ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સની તપાસ કરી રહ્યા છે.
























