
પાકિસ્તાનની ફરી ઈન્ટરનેશનલ ફજેતી થઈ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડએ પાકિસ્તાનને ભારત સામેની ટી20 વિશ્વ કપની મેચ રમવા માટે અનુરોધ કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી હવે વડા પ્રધાન શાહબાઝ શરીફને ભારત સામે મેચ ન રમવાના નિર્ણય પર ફરી વિચાર કરવા માટેની માગ કરી શકે છે. જણાવી દઈએ પાકિસ્તાને ભારત પર ક્રિકેટમાં રાજકારણનો આરોપ મૂકી પોતે રાજકારણ કરી બાંગ્લાદેશના કારણે મેચ નહીં રમે તેવો નિર્ણય કર્યો છે. ત્યારે હવે બાંગ્લાદેશે જ પાકિસ્તાનને પોતાની ઓકાત બતાવી દેતા પાકિસ્તાન ફરી પોતાની જ નાખેલી જાળમાં ફસાઈ ગયું છે.

શાહબાઝ શરીફને માહિતી આપશે નકવી
સમાચાર એજન્સી PTIના દાવા મુજબ, નકવી સોમવારે આ મુદ્દે હાલમાં થયેલા ઘટનાક્રમની જાણકારી વડા પ્રધાન શાહબાઝ શરીફને આપશે. સૂત્ર મુજબ તેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને સંયુક્ત આરબ અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે થયેલી વાતચીતની જાણકારી આપશે અને મેચ બહિષ્કારથી આવનાર સંકટનો ખ્યાલ આપશે.

પાકિસ્તાનનો પ્લાન ઊંધો પડ્યો
સૂત્રએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ ICCના ઉપાધ્યક્ષ અને સ્વતંત્ર નિર્દેશક ઈમરાન ખ્વાજા સાથે લાહોરમાં નકવી સાથેની મુલાકાત વચ્ચે હાજર રહ્યા હતા. શ્રીલંકા અને UAE બોર્ડે પણ પાકિસ્તાનને પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવા માટે આગ્રહ કર્યો છે. PCB સૂત્રોએ કહ્યું કે અમીનુલે બાંગ્લાદેશ ક્રિકેટ માટે પાકિસ્તાન દ્વારા બતાવવામાં આવેલી એકજુથતાના વખાણ કર્યા હતા પણ બહિષ્કાર ખતમ કરવા માટે અનુરોધ પણ કરી દીધો હતો.

બાંગ્લાદેશ અને શ્રીલંકા બોર્ડના સૂચન બાદ નકવી પરેશાનીમાં મુકાયા છે. તે હવે પાકિસ્તાનની સરકારને વિશ્વ કપમાં ભારત સામે પાકિસ્તાનને રમવાની મંજૂરી આપે તે માટે રજૂઆત કરશે. તે ખાસ કરીને શ્રીલંકા, બાંગ્લાદેશ અને UAE બોર્ડ સાથે થયેલી વાતચીતને ટાંકી આગળ શું કરવું તે અંગે વિચાર કરવા સરકારને કહેશે. જો કે છેલ્લો નિર્ણય વડા પ્રધાન શાહબાઝ શરીફ કરશે જેનું પાલન PCBએ ફરજિયાત કરવું પડશે. 15 ફેબ્રુઆરીએ ભારત પાકિસ્તાનની મેચ છે તે પહેલા પાકિસ્તાન શું ખિચડી રાંધે છે તેના પર PCBનું ભવિષ્ય ટક્યું છે.















