
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આજે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે. દેશના તમામ રિટેલ ફ્યુઅલ આઉટલેટ્સ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ક્યાંય પણ અછત નથી.
મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેક વીડિયો અને અફવાઓ પર ધ્યાન ન આપે. મંત્રાલયે આને “સંકલિત અને ઇરાદાપૂર્વકની મિસઇન્ફોર્મેશન કેમ્પેઈન” ગણાવ્યું છે, જે લોકોને ભડકાવવા માટે ચલાવવામાં આવી રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથીઃ મંત્રાલય
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે, ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર અને પાચમો સૌથી મોટો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો નિકાસકાર છે. 150થી વધુ દેશોને ભારત રિફાઇન્ડ ફ્યુઅલ પુરું પાડે છે. દેશમાં 1 લાખથી વધુ પેટ્રોલ પંપ સતત કાર્યરત છે અને કોઈ પણ પંપને સપ્લાય રેશન (નિયંત્રિત વિતરણ) કરવાનું કહેવામાં આવ્યું નથી.

વીડિયોને કારણે પેટ્રોલ પંપ પર લાગી હતી લાઈનો
વિશ્વના અન્ય ઘણા દેશોમાં પેટ્રોલની કિંમતો વધી રહી છે, રેશનિંગ (નિયંત્રિત વિતરણ) લાગુ કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરવામાં આવી છે. તેમ છતાં ભારતમાં આવી કોઈ જરૂરિયાત નથી.

કેટલાક સ્થળોએ પેનિક બાયિંગના કારણે ભીડ જોવા મળી તે માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ખોટા વીડિયોને કારણે હતી. તેમ છતાં તે તમામ પંપ પર બધા ગ્રાહકોને ફ્યુઅલ આપવામાં આવ્યું.’ભારતને 41થી વધુ સપ્લાયર્સ પાસેથી મળી રહ્યું છે ક્રૂડ ઓઇલ’

સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વિકટ સ્થિતિ છતાં ભારતને વિશ્વના 41થી વધુ સપ્લાયર્સ પાસેથી વધુ ક્રૂડ ઓઇલ મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પુરતી માત્રામાં ક્રૂડ ઉપલબ્ધ છે અને દરેક રિફાઇનરી 100%થી વધુ ક્ષમતાએ કામ કરી રહી છે. આગામી 60 દિવસ માટે ક્રૂડ ઓઇલની સપ્લાય પહેલેથી જ સુરક્ષિત કરી લેવામાં આવી છે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં કુલ 74 દિવસની રિઝર્વ ક્ષમતા છે અને હાલમાં આસપાસ 60 દિવસનો વાસ્તવિક સ્ટોક (ક્રુડ, પ્રોડક્ટ્સ અને સ્ટ્રેટેજિક કેવર્ન સહિત) ઉપલબ્ધ છે. આ મધ્ય પૂર્વ સંકટના 27મા દિવસે પણ દેશ પાસે લગભગ બે મહિનાનો સ્ટોક છે. આગામી બે મહિનાની ક્રૂડ ખરીદી પણ પહેલેથી સુરક્ષિત છે.

‘LPGની પણ કોઈ અછત નથી’
LPGની કોઈ અછત નથી. LPG કંટ્રોલ ઓર્ડર પછી રિફાઇનરીઓમાં ઉત્પાદન 40% વધારીને રોજિંદા 50 હજાર મેટ્રિક ટન કરવામાં આવ્યું છે જે કુલ જરૂરિયાતના 60%થી વધુ છે. આયાતની જરૂરિયાત માત્ર 30 હજાર મેટ્રિક ટન રહી છે.

અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી 800 હજાર મેટ્રિક ટન LPGના કાર્ગો પહેલેથી જ સુરક્ષિત છે અને આવી રહ્યા છે. રોજ 50 લાખથી વધુ સિલિન્ડર્સ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. પેનિકના કારણે માંગ વધીને 89 લાખ સુધી પહોંચી હતી, જે હવે સામાન્ય 50 લાખ પર આવી ગઈ છે.

અફવા ફેલાવનારાઓ સામે થશે કાર્યવાહી
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે PNGને પ્રોત્સાહન આપવું એ LPG અછતને કારણે નહીં, પરંતુ તે સસ્તું, સ્વચ્છ અને સુરક્ષિત હોવાથી છે. આ પરિવર્તન 2014થી જ ચાલી રહ્યું છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સરકારી સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરે.








