
હવે EPFOના 7 કરોડથી વધું સભ્યો તેમના PF એકાઉન્ટની બધી જરૂરી જાણકારી એક જ જગ્યાએ જોઈ શકશે. આનાથી અલગ-અલગ પોર્ટલ પર લોગ ઇન કરવાની ઝંઝટ દૂર થશે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે આ મોટી સુવિધા લોન્ચ કરતા જણાવ્યું કે, EPFO એ હવે સેવાઓને વધુ સરળ અને યુઝર-ફેન્ડ્રલી બનાવી છે.
પહેલાં મેમ્બર્સ પાસબુક જોવા માટે એક અલગ પોર્ટલમાં લોગ ઇન કરવું પડતું હતું, પરંતુ હવે નવી પાસબુક લાઇટ ફીચર સીધા યુનિફાઇડ પોર્ટલ પર જ મળશે. અહીં મેમ્બર્સ સરળતાથી તેમનું કોન્ટ્રીબ્યુશન, ઉપાડ અને બેલેન્સનો શોર્ટ ડિટેલ જોઈ શકેશે. જો કે, જે લોકો ગ્રાફ અને ડિટેલ્ડ પાસબુક જોવા માંગે છે, તેમના માટે જૂનું પોર્ટલ હજું પણ ચાલું રહેશે.

એક ક્લિકમાં મળશે ટ્રાન્સફર સર્ટિફિકેટ
માંડવિયાએ જણાવ્યું કે, પીએફ ટ્રાન્સફરને વધુ પારદર્શક બનાવવા માટે એનેક્સર-કે (Transfer Certificate)ને પણ હવે ઓનલાઈન કરવામાં આવ્યું છે. પહેલાં આ સર્ટિફિકેટ ફક્ત પીએફ ઓફિસો વચ્ચે જ એક્સચેન્જ કરવામાં આવતું હતું અને કર્મચારીઓને વિનંતી પર જ આપવામાં આવતું હતું. હવે, દરેક સભ્ય તેને જાતે પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકશે. આનાથી તેમને તેમના સેવા સમયગાળા અને બેલેન્સનો સચોટ રેકોર્ડ તાત્કાલિક મળશે.

ઝડપી થશે ક્લેમ
EPFOએ મંજૂરી પ્રક્રિયાને પણ સરળ બનાવી છે. અગાઉ ટ્રાન્સફર, રિફંડ અને એડવાન્સ જેવી સેવાઓ માટે ઉચ્ચ અધિકારીઓની મંજૂરીની જરૂર પડતી હતી, જેના કારણે વિલંબ થતો હતો. હવે આ સત્તાઓ નીચલા સ્તરને સોંપવામાં આવી છે. આનો અર્થ એ છે કે, ક્લેમ અને અન્ય રિક્વેસ્ટ પહેલા કરતા ઘણી ઝડપથી કરવામાં આવશે.















