HomeAllફોન પર ‘હા’ કહેવાથી બેન્ક એકાઉન્ટ થઈ શકે છે ખાલી, જાણો શું...

ફોન પર ‘હા’ કહેવાથી બેન્ક એકાઉન્ટ થઈ શકે છે ખાલી, જાણો શું છે ‘યસ સ્કેમ’

યુઝર પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તેણે હા કહી તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. ઘણાં લોકોને થતું હશે કે ફક્ત હા કહેવાથી શું થઈ શકે છે. જોકે હાલમાં એક નવો સ્કેમ ચાલી રહ્યો છે જેમાં યુઝર હા કહે તો એના ખાતામાંથી પૈસા ખાલી થઈ જાય છે. આથી એને ‘યસ સ્કેમ’ કહેવામાં આવી રહ્યું છે. ડિજિટલ દુનિયામાં આજે ટેક્નોલોજી જેટલી વધી રહી છે એટલી જ છેતરપિંડી પણ વધી રહી છે. આજે બેન્ક ટ્રાન્સફર અને પૈસાની આપલે કરવી સરળ થઈ ગઈ છે. આથી ઘણાં લોકો એને ફાયદો ઉઠાવી રહ્યાં છે. જો કોઈ વ્યક્તિએ ફોન પર હા પાડી તો એનો ઉપયોગ છેતરપિંડી કરનારા ઘણી રીતે કરી શકે છે. આથી ‘યસ સ્કેમ’ને વોઇસ રેકોર્ડિંગ ફ્રોડ પણ કહી શકાય છે.

આ સ્કેમના આધારે છેતરપિંડી કરનારા યુઝર્સને અજાણ્યા નંબર પરથી ફોન કરે છે. આ દરમ્યાન તેઓ યુઝર્સને ખૂબ જ સરળ સવાલો કરે છે. આ સવાલોમાં ‘શું તમે મને સાંભળી શકો છો?’, શું તમારું નામ વગેરે વગેરે છે?, શું આ તમારી સાથે વાત કરવાનો યોગ્ય સમય છે? વગેરે જેવા સવાલો કરે છે. જો આ વિશે યુઝરે હા જવાબ આપ્યો તો તેઓ મુશ્કેલીમાં પડી શકે છે. છેતરપિંડી કરનાર આ ‘હા’ જવાબને રેકોર્ડ કરી રહ્યાં છે.

અવાજનો દુરૂપયોગ થઈ શકે છે 

છેતરપિંડી કરનાર દ્વારા યુઝરનો અવાજને રેકોર્ડ કરવામાં આવી શકે છે. આ અવાજનો પછી તેઓ તેમની જરૂરિયાત અનુસાર ઉપયોગ કરી શકે છે. આજે ઘણી જગ્યાએ વોઇસ ઓથેન્ટિકેશનની જરૂર પડે છે. ઘણી વાર ટ્રાન્ઝેક્શન માટે ફોન આવે છે અને યુઝરને હામાં જવાબ આપવા માટે કહેવામાં આવે છે. આ માટે યુઝરના અવાજનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. આ અવાજનો ઉપયોગ કરીને બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. તેમ જ બેન્ક એકાઉન્ટ ખોલવાની સાથે લોન પણ લઈ શકે છે.

ઓટીપીની પણ જરૂર નથી 

આ છેતરપિંડીમાં સૌથી ખતરનાક વાત એ છે કે યુઝર પાસેથી કોઈ ઓટીપીની જરૂર નથી પડતી. આ માટે યુઝરે લિંક પર પણ ક્લિક નથી કરવું પડતું. ફક્ત અવાજથી જ છેતરપિંડી કરવામાં આવતી હોવાથી યુઝર માટે આ ખૂબ જ જોખમી સ્કેમ છે. આથી અજાણ્યા નંબર પરથી ફોન આવે ત્યારે કોઈ દિવસ ‘હા’ અથવા તો ‘જી’માં જવાબ નહીં આપવો. ફોન પર આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો યુઝર માટે ખૂબ જ ગંભીર સમસ્યા બની શકે છે.

સ્કેમથી બચવા શું કરશો? 

આ પ્રકારના સ્કેમથી બચવા માટે યુઝરે સૌથી પહેલાં અજાણ્યા નંબરથી દૂર રહેવું. ત્યાર બાદ ક્યારેય પણ બેન્ક અને નાણાને લગતી માહિતી શેર ન કરવી. જો કોલ શંકાસ્પદ લાગે તો એને તરત જ કટ કરી નાખવો. સામેથી સવાલ પૂછવામાં આવે ત્યારે ‘હા’ અને ‘જી’ની જગ્યાએ એ શબ્દોનો ઉપયોગ કર્યા વગર લાંબા જવાબ આપવાનું પસંદ કરવું. શંકાસ્પદ નંબરની માહિતી સીધી સાઇબરક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં આપવી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!