
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેકનોલોજીની દુનિયાના દિગ્ગજ ઈલોન મસ્કે રવિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક એવી જાહેરાત કરી છે, જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

મસ્કે જણાવ્યું કે હવે કોઈપણ ફોટોને માત્ર લોન્ગ-પ્રેસ (થોડીવાર દબાવી રાખીને) કરીને સરળતાથી વીડિયોમાં ફેરવી શકાશે. આ જાહેરાતની સાથે તેમણે એક નાનો વીડિયો ક્લિપ પણ શેર કર્યો છે, જે થોડા જ સમયમાં વાયરલ થઈ ગયો છે.

કેવી રીતે કામ કરે છે આ નવું ફિચર?
ઈલોન મસ્કે ‘X’ પર કરેલી પોસ્ટમાં આ નવા અને અદભૂત ફિચરનો ઉપયોગ કરવાની રીત સમજાવી છે. તેમણે લખ્યું, “કોઈપણ ઇમેજ પર લોન્ગ-પ્રેસ કરો, ત્યારબાદ તેને વીડિયોમાં ફેરવો. પછી તમે તમારી કલ્પના મુજબ કંઈપણ બનાવવા માટે પ્રોમ્પ્ટને કસ્ટમાઇઝ કરી શકો છો.”

તેમણે ઉદાહરણ તરીકે જણાવ્યું કે, તેમણે પોતે એક કપલના ફોટોને ‘મપેટ્સ’ (એક પ્રકારના કાર્ટૂન પાત્રો)માં ફેરવવા માટે પ્રોમ્પ્ટ આપ્યો હતો.

આ ફિચર એલોન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI દ્વારા વિકસાવવામાં આવેલ ‘Grok’ નામના AI ટૂલનો ઉપયોગ કરે છે. તે ફોટોમાં એનિમેશન ઉમેરીને તેને જીવંત બનાવે છે.

Grok 4 ની સર્વિસ હવે ફ્રીમાં ઉપલબ્ધ
યૂઝર્સ માટે વધુ એક સારા સમાચાર એ છે કે મસ્કની કંપની xAI એ તાજેતરમાં તેના સૌથી એડવાન્સ્ડ AI મોડેલ ‘Grok 4’ને સમગ્ર વિશ્વના યૂઝર્સ માટે મફતમાં ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.

ભારત સહિત દુનિયાભરના લોકો હવે આ AI ચેટબોટનો ઉપયોગ ‘X’ પ્લેટફોર્મ અને તેની iOS તથા Android પર ઉપલબ્ધ અલગ એપ દ્વારા પણ કરી શકે છે. આ નવું ફિચર Grok ના ક્રિએટિવ ટૂલકિટનો એક ભાગ છે,

જેમાં પહેલાથી જ રાઇટિંગ, ઇમેજ જનરેશન અને રિયલ-ટાઇમ ડેટા એક્સેસ જેવી સુવિધાઓ શામેલ છે.
















