
ફ્રાન્સ દ્વારા હાલમાં જ એક અદ્ભૂત હાઇવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ હાઇવે વાયરલેસ દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલને ચાર્જ કરશે. આ એક નવી ટેક્નોલોજી છે જે ફ્રાન્સ દ્વારા પહેલી વાર રજૂ કરવામાં આવી છે. ફ્રાન્સ દ્વારા હાલમાં 1.5 કિલોમીટરનો હાઇવે બનાવવામાં આવ્યો છે જે ઇલેક્ટ્રિક વાહનને વાયરલેસ ચાર્જ કરશે.

આ માટે ફક્ત વાહનને એના પર ચલાવવાનું રહેશે. આ હાઇવે પેરિસની નજીક બનાવવામાં આવ્યો છે અને એના દ્વારા ઇલેક્ટ્રિક વાહનને એક અલગ દિશા આપવામાં આવી છે.કેવી રીતે કામ કરે છે?ડામરના રોડની નીચે કોપર ઇન્ડક્શન કોઇલ રાખવામાં આવી છે.

આ કોઇલ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે અને એના દ્વારા ઇલેક્ટ્રિક વાહનમાં એનર્જી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ માટે ઇલેક્ટ્રિક વાહનમાં વાયરલેસ એનર્જી રિસીવર હોવું જરૂરી છે. આ સિસ્ટમ દ્વારા 200 kWનો સતત પાવર આપવામાં આવે છે અને એ 300 kW સુધી પણ જઈ શકે છે. ટેસ્લાના V3 સુપરચાર્જરની ક્ષમતા બરાબર આ રોડ વાયરલેસ એનર્જી આપે છે. આ એનર્જી પેસેન્જર કારથી લઈને હેવી ટ્રક્સ અને બસ દરેકને આપવામાં આવે છે. આ માટે તેમને રોડ પર ઊભા રહેવાની પણ જરૂર નથી.

આ ટેક્નોલોજીની મદદથી વાહનચાલકને તેની કાર અથવા તો અન્ય વાહનમાં વધુ બેટરી કેપેસિટી હોય એનો આગ્રહ ઓછો રહેશે. તેમ જ તેને વારંવાર ચાર્જ કરવા માટે ઊભા નહીં રહેવું પડે અને સમયનો બગાડ પણ નહીં થાય.આ પ્રોજેક્ટ કોણે તૈયાર કર્યો?આ પ્રોજેક્ટ પાછળ ઘણાં બધા પાર્ટનર દ્વારા સાથે મળીને કામ કરવામાં આવ્યું હતું.

એમાં ઇલેક્ટ્રિઓન કંપનીનો સમાવેશ થાય છે. આ એક ઇઝરાયલની ટેક ફર્મ છે જે વાયરલેસ ઇલેક્ટ્રિક વાહનના ચાર્જર માટે સ્પેશિયલ કામ કરે છે. ફ્રાન્સના સૌથી મોટા હાઇવે ઓપરેટર કંપની VINCI ઓટોરૂટ્સ, ગસ્ટાવે આઇફેલ યુનિવર્સિટી જે આ સિસ્ટમના પર્ફોર્મન્સ પર ધ્યાન આપે છે.

પર્યાવરણ પર અસરફ્રાન્સનું ટ્રાન્સપોર્ટ સેક્ટર દેશના 16 ટકા ગ્રીનહાઉસ ગેસ ઇમિશન માટે જવાબદાર છે. ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ હાઇવે બનાવીને ફ્રાન્સ તેમના દેશમાં થતાં પોલ્યુશનને ઘટાડવા માગે છે. આ એક પાયલોટ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ હવે ફ્રાન્સમાં 9000 કિલોમીટરનો વાયરલેસ ચાર્જિંગ હાઇવે બનાવી શકાય છે. આ માટે જોકે પરવાનગી હજી મળી નથી, પરંતુ એની શક્યતા છે.

આગામી પ્રોજેક્ટ?હાલમાં ચાર ઇલેક્ટ્રિક વાહનને આ રોડ પર રિયલ ટ્રાફિક કન્ડિશનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો એમાં સફળતા મળી તો અન્ય હાઇવેને પણ આ રીતના બનાવવામાં આવી શકે છે.

ફ્રાન્સની આ ટેક્નોલોજી અન્ય દેશને પણ આ રીતે હાઇવે બનાવવા માટે પ્રેરિત કરી શકે છે. જો આ રીતના હાઇવે બન્યા તો ઇલેક્ટ્રિક વાહનને ખૂબ જ મોટો બૂસ્ટ મળશે અને ઘણાં લોકે એને ખરીદશે. તેમ જ કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઓછી થશે. જોકે આ હાઇવે ભારત માટે કેટલો સફળ રહે એ જોવું જરૂરી છે કારણ કે ભારતમાં હાઇવે પર ખાડા નહીં, પરંતુ ખાડામાં હાઇવે હોય છે. નેશનલ હાઇવે 48 હોય કે પછી હાલમાં જ બની રહેલો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે કેમ ન હોય, દરેક પર ખાડા જોવા મળે છે.
















