તપાસ એજન્સીઓએ ઘટના સ્થળે પહોંચી જાણકારી મેળવી: મેડિકલ છાત્રો પાસેથી જરૂરી ઈનપુટ મેળવ્યા : એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને તપાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી

અમદાવાદમાં ખોફનાક વિમાન દુર્ઘટના બાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ અમદાવાદ પહોંચી ગઈ છે. વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (એએઆઈબી)એ પણ દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવાર તપાસ એજન્સી સાથે સંકળાયેલા અધિકારીઓએ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી અને ઘટનાની અનેક જરૂરી માહિતી મેળવી હતી, જોકે આથી વધુ જાણકારી શેર નથી કરાઈ. માનવામાં આવે છે કે નિશ્ચિત પ્રોટોકોલ અંતર્ગત એજન્સીઓ ઈનપુટ મેળવી રહી છે.

જેથી દુર્ઘટના સાથે જોડાયેલા કોઈ પાસા વણ સ્પર્શ્યા ન રહી જાય. તપાસ અધિકારીઓએ છાત્રો સાથે વાતચીતના આધારે જરૂરી ઈનપુટ એકત્ર કર્યા છે. ટાટા સમૂહના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, તપાસમાં મદદ માટે બ્રિટેન અને અમેરિકાથી પણ ટીમ ભારત પહોંચી ચૂકી છે. સૂત્રોએ જણાવ્યું છે કે ટીમે અનેક તથ્યો મેળવ્યા છે, જેના પર મંથન ચાલુ છે.

બ્રિટનના હાઈ કમિશનના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા
બ્રિટનના હાઈ કમિશનના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે જાણકારોનું કહેવું છે કે, દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિટીશ નાગરિકો સાથે સંકળાયેલી જાણકારી મેળવવાની સાથે પ્લેન ક્રેશને લઈને પણ માહિતી મેળવાશે. બીજી બાજુ એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજીંગ ડિરેકટર કેમ્પબેલ વિલ્સને પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

અહીં તેમણે એર ઈન્ડિયાના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરીને જાણકારી મેળવી હતી. તેમણે ખાતરી આપી હતી કે તપાસમાં એર ઈન્ડિયા પૂરેપૂરો સહકાર આપશે.

તેમણે કહ્યું હતું કે, તપાસ સમય લેશે પણ અમે પૂરી પારદર્શિતા સાથે તપાસમાં સહકાર આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એર ઈન્ડિયાના 40 એન્જિનિયરો અને 100 જેટલા સેવાભાવીઓની ટીમ અમદાવાદમાં આવી ચૂકી છે.






















