હવે આવી ફરિયાદો પર કેબિનેટ સચિવાલયની સીધી નજર રહેશે
હવે આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ એટલે કે સીબીઆઇસી સંબંધિત ફરિયાદોનું પીએમઓ મોડેલ દ્વારા સમાધાન કરવામાં આવશે.

કેબિનેટ સચિવાલય દ્વારા આ ફરિયાદો પર સીધી નજર રાખવામાં આવશે. બંને વિભાગોની ફરિયાદોને હવે ડિરેક્ટોરેટ ઓફ પબ્લિક ગ્રિવન્સ (ડીપીજી) હેઠળ લાવવામાં આવી છે, જે કેબિનેટ સચિવાલય હેઠળ કામ કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ સરકારી વિભાગોની પડતર ફરિયાદોનો સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે નિકાલ કરવાનો છે.

કેન્દ્રીય કેબિનેટ સચિવે તમામ મંત્રાલયો અને વિભાગોને તેમની ફરિયાદ નિવારણ પ્રણાલીમાં સુધારો કરવા અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પીએમઓ જેવી મોનિટરિંગ મિકેનિઝમ સ્થાપિત કરવા જણાવ્યું છે. આવકવેરા અને સીબીઆઈસીને ડીપીજી હેઠળ લાવવાનો આદેશ 16 જૂને કેબિનેટ સચિવાલયથી જારી કરવામાં આવ્યો છે.

આ મહત્વનું છે, કારણ કે આવકવેરા વિભાગ અને સીબીઆઇસી સંબંધિત સમસ્યાઓ લાખો કરદાતાઓ અને વેપારીઓને અસર કરે છે. વિલંબ, પારદર્શિતાના અભાવ અને જટિલ પ્રક્રિયાઓ માટે તેમની સામે અવારનવાર ફરિયાદો કરવામાં આવી છે.

પરંતુ, નવી વ્યવસ્થામાં સામાન્ય કરદાતા હોય કે વેપારી વર્ગ, હવે તેમની ફરિયાદો પર માત્ર ઔપચારિકતામાં જ કાર્યવાહી કરવામાં આવશે નહીં, પરંતુ સિનિયર લેવલે સીધી દેખરેખ રાખવામાં આવશે.

ટૂંક સમયમાં નવી બ્લુપ્રિન્ટ :-
ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ (ડીએપીઆરજી) ટૂંક સમયમાં આ નવી સિસ્ટમ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરશે અને તમામ મંત્રાલયોને માર્ગદર્શિકા જારી કરશે. દરેક મંત્રાલયનાં ફરિયાદ નિવારણ સેલની સક્રિય ભૂમિકા રહેશે, જેથી ફરિયાદોનું નિવારણ અસરકારક બને.

શું છે PMO મોડલ? :-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 4 જૂનના રોજ મંત્રી પરિષદની બેઠક મળી હતી, જેમાં જનતાની ફરિયાદોના નિરાકરણને ટોચની પ્રાથમિકતા ગણાવી હતી. ત્યારબાદ કેબિનેટ સચિવે પીએમઓમાં લાગુ કરવામાં આવેલા મોડલ વિશે વાત કરી, જ્યાં 30થી વધુ વરિષ્ઠ અધિકારીઓ દરરોજ ઓછામાં ઓછી 10 ફરિયાદોનો નિકાલ કરે છે.

એટલે કે પીએમઓ દરરોજ લગભગ 300 ફરિયાદોનું નિરાકરણ લાવે છે. હવે તમામ મંત્રાલયો અને વિભાગોમાં આ જ પીએમઓ મોડેલ લાગુ કરવાની યોજના છેદરેક વિભાગના વરિષ્ઠ અધિકારીઓને લોકોની ફરિયાદોની સીધી તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવશે. તેને ’હાઈ પ્રાયોરિટી એક્શન પોઈન્ટ’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે.





















