
પંજાબમાં છેલ્લા એક અઠવાડિયાથી થયેલા અતિ ભારે વરસાદને કારણે 15થી વધુ જિલ્લાઓ પૂરમાં ગરકાવ થયા છે.

પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને પ્રભાવિત વિસ્તારોમાં નાગરિકોને ભોજન, કપડાં, સ્વચ્છ પાણી તેમજ ઠંડીથી બચવા જરૂરી વસ્ત્રો જેવી જીવન જરૂરિયાતોની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે.

આવા સમયે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માનવતાની ભાવનાથી પ્રેરાઈ નાગરિકો પુર પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. પીપળીયા રાજ, વાલાસણ, અરણીટીંબા, તિથવા, કલાવડી, રાણેકપર, વાંકીયા, પ્રતાપગઢ, કોઠી, રાતીદેવરી, ચંદ્રપુર, રસીકગઢ, પંચાસર, પંચાસીયા સહિત અનેક ગામોમાંથી લોકોએ દિલ ખોલીને સહાય આપી છે.

કપડાં, અનાજ, રોકડ રકમ, વરસાદ અને ઠંડીથી બચવા માટેના વસ્ત્રો, પ્લાસ્ટિક શીટ, વાસણ જેવી વિવિધ જરૂરી વસ્તુઓ એકત્ર થઈ રહી છે.

આ તમામ સહાયને એક સ્થળે ભેગી કરીને રાહત કીટ તૈયાર કરવામાં આવી રહી છે, જે ટૂંક સમયમાં ટ્રક કન્ટેનરમાં ભરાઈ પંજાબ રવાના કરવામાં આવશે.

















