HomeAllપ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં મોરબીમાં ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસ યોજાયું

પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં મોરબીમાં ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસ યોજાયું

ગુજરાત રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં મોરબી કલેક્ટર કચેરી ખાતે ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપન હાઉસનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ બેઠક દરમિયાન ઉદ્યોગોના કુલ ૧૧ વિભાગના ૩૬ જેટલા પ્રશ્નો ઉદ્યોગપતિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગોને લગતા વિવિધ સ્થાનિક, વહીવટી તેમજ રાજ્યકક્ષાના પ્રશ્નો અંગે ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી.

પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓને સંબોધતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં મોરબી જિલ્લાના ઉદ્યોગોનું મહત્વપૂર્ણ યોગદાન છે. રાજ્ય સરકારનો અભિગમ એવો છે કે, ઉદ્યોગગૃહોને પડતી મુશ્કેલીઓનો સમયસર ઉકેલ લાવવામાં આવે અને સમયાંતરે તેની સમીક્ષા કરવામાં આવે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે. મોરબીને મહાનગરપાલિકા અને ટંકારાને નગરપાલિકા બનાવવાનો નિર્ણય પણ આ અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે. ઉદ્યોગોને વધુ ગતિ આપવા તેમજ મૂંઝવતા પ્રશ્નોના નિવારણ માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે તેવી ખાતરી મંત્રીએ આપી હતી. નીતિ વિષયક સિવાયના પ્રશ્નોના નિરાકરણ અંગે પણ મંત્રીએ આશ્વાસન આપ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ઉદ્યોગોના પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સહયોગ આપશે અને ઓપન હાઉસનો મુખ્ય હેતુ પણ ઉદ્યોગોને સરળતા પ્રદાન કરવાનો છે.

આ ઓપન હાઉસમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, કલેક્ટર કે.બી. ઝવેરી, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી. પારેજિયા સહિત સંબંધિત અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!